બેંકોમાં ખાસ કરીને સરકારી અને સહકારી બેંકોમાં અસંખ્ય ગ્રાહકોને જુદા જુદા પ્રકારના કામોમાં વિલંબને કારણે ઘણી હાડમારીઓ વેઠવી પડતી હોય છે, ખાસ કરીને કોઈ બેંક ખાતેદારના મોત બાદ વારસદારોની કઠણાઈનો કોઈ પાર રહેતો નથી, ધક્કા ખાવા પડતાં હોય છે. કેટલીક ખાનગી બેંકોમાં પણ ઘણાં ગ્રાહકોને કડવા અનુભવ થતાં હોય છે. ટૂંક સમયમાં આ બાબતમાં સુધારાઓ થશે.
રિઝર્વ બેંક દ્વારા હાલમાં એક દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે, જેમાં કેટલાંક સુધારાઓ સૂચવવામાં આવ્યા છે. આ દરખાસ્ત કહે છે: મૃત્યુ પામેલા બેંક ખાતેદારોના કેસમાં વારસદારો દ્વારા બેંક એકાઉન્ટ તથા લોકર સંબંધિત જે દાવા દાખલ થાય છે તેના સરળ અને ઝડપી સેટલમેન્ટ માટે કેટલાંક નવા નિયમો આવશ્યક છે.
બેંક કહે છે: આ પ્રકારના દાવામાં બેંકને તમામ જરૂરી દસ્તાવેજ વારસદારો દ્વારા પૂરા પાડી દેવામાં આવે તે પછીના 15 કેલેંડર દિવસ દરમ્યાન બેંકોએ વારસદારના દાવાનું સેટલમેન્ટ પૂર્ણ કરી લેવાનું રહેશે. જો આ નિયત સમય કરતાં વિલંબ થશે તો, બેંકે તે વારસદારને વ્યાજ ચૂકવવું પડશે.
રિઝર્વ બેંક દ્વારા હાલ આ ડ્રાફ્ટ દરખાસ્ત જાહેર કરવામાં આવી છે અને 27 ઓગસ્ટ સુધીમાં લોકો આ ડ્રાફ્ટ સંબંધે સૂચનો પણ મોકલી શકશે. દરખાસ્ત કહે છે: આ પ્રકારના દાવા માટે બેંકોએ એક સ્ટાન્ડર્ડ ફોર્મ તૈયાર કરવાનું રહેશે. જે તમામ બેંક શાખાઓ અને વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવાનું રહેશે. જેમાં જરૂરી દસ્તાવેજોની યાદી હશે અને દાવાની પતાવટ કેમ કરવી તેના સ્ટેપ દર્શાવવાના રહેશે.
જો બેંક પોતાની ભૂલને કારણે આ દાવાની પતાવટમાં વિલંબ કરશે તો, બેંકે ગ્રાહકને વળતર તરીકે પ્રવર્તમાન બેંક વ્યાજ ઉપરાંત વાર્ષિક ચાર ટકા વ્યાજ, દાવાની રકમ પર આપવાનું રહેશે એમ આ દરખાસ્તમાં જણાવાયું છે. લોકર અથવા સેફ કસ્ટડીમાં રહેલી વસ્તુઓના કિસ્સાઓમાં વિલંબના દરેક દિવસ માટે વળતર રૂ. 5,000 રહેશે.