જામનગર સહિત સમગ્ર રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી રાહત મળી છે, બીજી તરફ હજારો ખાનગી શાળાઓની ફી મામલે અસર કરતો ચુકાદો સુપ્રિમ કોર્ટ દ્વારા જાહેર થયો છે. FRCએ નક્કી કરેલી ફી થી વધારે નાણાં કોઈ પણ શાળા ઉઘરાવી શકશે નહીં.
આ સમગ્ર વિષયની હકીકત એ છે કે, રાજ્યમાં હજારો ખાનગી શાળાઓ જુદા જુદા બહાના હેઠળ, FRCએ નક્કી કરેલી ફી કરતાં પણ વધુ ફી વાલીઓ પાસેથી વસૂલતી હતી. કેમ કે, આ કેસ ગુજરાત હાઇકોર્ટમાં ગયેલો ત્યારે- કેસનો ચુકાદો શાળાઓની તરફેણમાં આવેલો. અદાલતે કહેલું: ફી નિયમન કમિટી એટલે કે FRC ખાનગી શાળાઓના સંબંધિત ખર્ચાઓ યોગ્ય કારણ વિના નકારી શકે નહીં. અદાલતે ખાનગી શાળાઓને એડમિશન ફી, સત્ર ફી, અભ્યાસક્રમ ફી અને ટયૂશન ફી ઉપરાંત વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓની ફી વસૂલવા મંજૂરીઓ આપી હતી. જે અનુસંધાને ખાનગી શાળાઓ દ્વારા ‘લૂંટ’ મચાવવામાં આવી અને શાળાઓ પોતે કાનૂની જંગ જિતી ગઈ છે એવા ગુમાનમાં રાચવા લાગી હતી.
ત્યારબાદ રાજ્ય સરકાર આ મામલાને સુપ્રિમ કોર્ટમાં લઈ ગઈ. સુપ્રિમ કોર્ટે આ મહત્વપૂર્ણ આદેશમાં સ્પષ્ટતાઓ કરી કે, કોઈ પણ ખાનગી શાળા FRC દ્વારા નક્કી કરવામાં આવેલી ફી થી વધુ નાણાં વાલીઓ પાસેથી વસૂલી શકશે નહીં. ચીફ જસ્ટિસના વડપણ હેઠળની ખંડપીઠ દ્વારા આ વચગાળાનો હુકમ જાહેર કરવામાં આવ્યો છે.
આ મામલામાં સરકારપક્ષ તરફથી સુપ્રિમ કોર્ટમાં કહેવાયું કે, સરકારના નીતિવિષયક નિર્ણયમાં સુપ્રિમ કોર્ટની દરમિયાનગીરી જરૂરી બને છે કેમ કે, આ વિષય વિશાળ જનહિતનો અને લાખો વિદ્યાર્થીઓ તથા વાલીઓ સાથે સંબંધિત છે. સરકારના આ વલણને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી રાહત મળી છે.