જામનગર શહેર વર્ષોથી ગોકુળિયું ગામ છે, અહીં શહેરનો એક પણ મુખ્યમાર્ગ પશુઓવિહોણો નથી અને હજારો રહેણાંક વિસ્તારોમાં તો રખડતાં પશુઓના ત્રાસે, કૂતરાંઓના ત્રાસની માફક માઝા મૂકી છે. આમ છતાં, તંત્ર કે શાસકોએ કયારેય આ વિષયમાં નોંધપાત્ર કામગીરીઓ કરી દેખાડી નથી. થોડાથોડા સમયે રેકર્ડ પર એવી બાબતો ‘દેખાડવામાં’ આવી રહી છે કે, અમે આ સમસ્યા અંગે ચિંતિત છીએ. ખરેખર તો ચિંતિત નગરજનો છે- આ વણઉકેલ સમસ્યાને કારણે.
તાજેતરમાં તંત્ર પોલીસ સાથે પશુપાલકોના ઘરે ગયું અને આ સમયે પ્રેસ ફોટોગ્રાફરો અને વીડિયો શૂટર હાજર રહે તેની કાળજી લેવામાં આવી. તંત્ર એમ સાબિત કરવા ચાહે છે કે, કેટલ પોલિસીના અમલ માટે પોતે કમિટેડ છે. આ માટે તંત્રએ પશુપાલકોને એમ કહ્યું કે, તમારાં ઘરો પાસે બાંધેલા પશુઓને શહેરની બહાર અન્ય સ્થળોએ ખસેડી લો. પશુપાલકોએ સમય માંગ્યો, તંત્રએ સમય આપ્યો. કશુ થયું નહીં.
ત્યારબાદ, કોર્પોરેશનમાં પશુમાલિકો સાથે તંત્ર દ્વારા બેઠક યોજવામાં આવી. બેઠકમાં એવું નક્કી થયું કે, પશુમાલિકો પશુઓ ઘર પાસે જ બાંધી રાખશે. રસ્તાઓ પર છૂટાં નહીં મૂકે. પશુઓ રસ્તાઓ પર હશે તો, તંત્ર પકડી લેશે. આમાં નવું શું છે ?! આ તમાશો તો વર્ષોથી ચાલે જ છે. એક તરફ તંત્ર જાહેરાતો કરે છે કે, અમો પશુઓ પકડીએ છીએ, બીજી તરફ લાખો નગરજનો જાણે જ છે કે, દરેક રસ્તાઓ પર અને રહેણાંક વિસ્તારોમાં પશુઓનો ત્રાસ યથાવત્ છે. ટૂંકમાં, ખાયા પિયા કુછ નહીં, ગિલાસ તોડા બારહ આના. વધુ એક વખત બધી જ ‘હોહા’ પૂરી. બધું જૈસે થે !
દીવા જેવી હકીકત એ છે કે, શાસકો રખડતાં પશુઓના ત્રાસથી લાખો નગરજનોને મુક્તિ મળે એવું ઈચ્છતા જ નથી. શાસકો માલધારીઓને નારાજ કરવા ચાહતા નથી, લાખો નગરજનોને રામભરોસે છોડી દેવામાં આવ્યા છે. શાસકો તંત્ર પાસે આ કામ કરાવવા ઈચ્છતા જ નથી, તંત્ર નાટકો કરી સમાચારોમાં છવાયેલું રહે છે- એટલું જ ! તંત્ર કે શાસકો આ સમસ્યાના ઉકેલ માટે પોતાની ફરજોમાં કમિટેડ નથી જ, એ હકીકત વર્ષોથી દીવા જેવી સ્પષ્ટ છે. બાકીના બધાં નાટક.