ગુજરાત પોલીસ અકાદમી- કરાઈ ખાતે તાજેતરમાં ચંદ્રક અલંકરણ સમારોહ યોજાયો હતો. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ રાજ્યના પોલીસ વિભાગના કુલ 118 અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કર્યા. જેમાં જામનગર રૂરલ DySP અને શહેરના એક ASIનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીના હસ્તે દર વર્ષે આ ચંદ્રક અલંકરણ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં ગૃહમંત્રી અને રાજ્ય પોલીસ વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહે છે. આ ચંદ્રક ઉત્કૃષ્ટ પોલીસ સેવાઓ બદલ તથા સંબંધિત વિસ્તારમાં કાર્યકાળ દરમ્યાન અસરકારક ફરજપાલન સંદર્ભે આપવામાં આવે છે. આ સમારોહમાં જામનગર ગ્રામ્યના DySP રાજેન્દ્ર દેવધા અને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ASI બશીર મલેકને CMના હસ્તે ચંદ્રક એનાયત થયા છે. જેને પરિણામે જામનગરના સમગ્ર પોલીસબેડામાં ખુશી અને ગૌરવની લાગણીઓ જોવા મળી રહી છે. જિલ્લા પોલીસ વડાએ બંને ચંદ્રક વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે.