એક તરફ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાઓની સ્થિતિઓ ચર્ચાઓમાં છે. ખાસ કરીને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર આ બધી બાબતો અંગે હજારો ટિપ્પણીઓ થઈ રહી છે. બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી કાર્યાલય તરફથી એક નવો અભિગમ શરૂ થયો છે, જેમાં પોલીસ સંબંધે રાજ્યના લોકોની માનસિકતા શું છે, એ જાણવા લોકોને સામેથી ફોન કરવામાં આવી રહ્યા છે અને ફીડબેક પ્રાપ્ત કરવામાં આવી રહ્યા છે.
ગૃહમંત્રી કાર્યાલય દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં રહેતાં લોકોને ફોન કરવામાં આવી રહ્યા છે. સરકાર ઈચ્છે છે કે, આ રીતે હાલ 10,000 લોકોને ફોન કરવામાં આવે અને પોલીસનો લોકો સાથેનો વ્યવહાર કેવો છે, એ જાણવા સીધા જ લોકોને અમુક પ્રશ્નો પૂછવામાં આવે. અને લોકોના જવાબોના આધારે પોલીસમાં અધિકારીઓ અને કર્મચારીઓની બદલીઓ, બઢતી તથા પોલીસની કામગીરીઓમાં સુધારા લાવવા જરૂરી નિર્ણયો લેવામાં આવે.
આ કોલિંગ કામગીરીઓ અંતર્ગત હાલ લોકોને પૂછવામાં આવી રહેલાં પ્રશ્નો : પોલીસનો તમારી સાથેનો વ્યવહાર કેવો છે ? પોલીસ તરફથી સંતોષકારક જવાબો મળે છે ? પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેક્ટર અને ફોજદાર હાજર રહે છે ? પોલીસ સ્ટેશનમાં યોગ્ય જવાબ ન મળે અને ઉચ્ચ અધિકારીને મળવું પડે તેવા સંજોગોમાં મુલાકાત મળે છે ? પોલીસ સ્ટેશનમાં રજૂઆત કે ફરિયાદનું સરળતાથી નિરાકરણ થાય છે કે કેમ ? વગેરે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે.
આ સંબંધે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું : આ પ્રેક્ટિસને કાયમી બનાવવામાં આવશે અને, સમગ્ર સિસ્ટમને સુદ્રઢ બનાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ગ્રાઉન્ડ રિયાલિટી જાણવા આ કામગીરીઓ કરવામાં આવી રહી છે.