Mysamachar.in: જામનગર:
આજે સવારે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના સભાખંડમાં જામનગરના પ્રભારીમંત્રી મુળુભાઈ બેરાએ એક સમીક્ષા બેઠક યોજી જેમાં શહેરના વિવિધ વિકાસકામો અને પડતર બાબતોની સમીક્ષાઓ કરવામાં આવી.
આ સમીક્ષા બેઠકમાં જામનગરમાં હાલ ચાલી રહેલા વિકાસકામોના પ્રોગ્રેસની ચર્ચાઓ કરવામાં આવી. કમિશનર ડી.એન.મોદી સહિતના અધિકારીઓ અને મેયર સહિતના પદાધિકારીઓ પાસેથી પ્રભારી મંત્રીએ જાણકારીઓ પ્રાપ્ત કરી. આ ઉપરાંત આગામી સમયમાં હાથ ધરાનારા કામો અંગે પણ ચર્ચાઓ થઈ.
આ બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, મહાનગરપાલિકા હસ્તકના તમામ પ્રોજેક્ટ સહિતની બાબતો પર વાત થઈ. છેલ્લા બે વર્ષ દરમ્યાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી મળેલી ગ્રાન્ટના ઉપયોગ અંગે વાત થઈ. આ ઉપરાંત જામનગરના જે કામો અને દરખાસ્ત હાલ સરકાર કક્ષાએ પડતર છે, તેમાં પ્રભારી મંત્રીના રૂપમાં વચ્ચેની કડી તરીકે સરકારમાં શું રજૂઆત કરવાની થાય છે, તે અંગે પણ ચર્ચાઓ થઈ.
એમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સંબંધે પણ જરૂરી ચર્ચાઓ થઈ. આગામી સમયમાં જામનગરમાં વધુ વૃક્ષ વાવવા સંબંધે તથા લોકોની સુખાકારી માટેના વિવિધ વિષયોની ચર્ચાઓ કરવામાં આવી.
આ બેઠકમાં મેયર અને કમિશનર ઉપરાંત ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેષ કગથરા, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા તથા અન્ય અધિકારીઓ, શહેર બીજેપી પ્રમુખ બિનાબેન કોઠારી, પૂર્વ પ્રમુખ હસમુખ હીંડોચા વગેરે હાજર રહ્યા હતાં. આ બેઠકમાં પ્રભારી મંત્રીએ એમ પણ કહ્યું કે, વિવિધ વિકાસકામોના પ્રોગ્રેસની દ્રષ્ટિએ જામનગર સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે છે.
*ગુજરાતમાં પ્રવાસીઓ અંગે પ્રભારી મંત્રીએ કહ્યું કે….*
રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા ઘટી છે ? એવા પ્રશ્નના ઉત્તરમાં પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, દેશના અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવાસે આવતા સહેલાણીઓની સંખ્યા બાબતે દેશમાં ગુજરાત પાંચમા ક્રમે છે પરંતુ વિદેશોમાંથી જે પ્રવાસીઓ ભારતના વિવિધ રાજ્યની મુલાકાત લ્યે છે એમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. ગત્ વર્ષે ગુજરાતમાં 18.64 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતાં. આ ઉપરાંત પ્રભારી મંત્રીએ રાજ્યમાં 58 સાઈટ્સ પર ઈકો ટુરિઝમને વેગ આપવામાં આવી રહ્યો છે, એમ પણ કહ્યું.