Mysamachar.in-સુરત:
સુરત પોલીસને એક સાયબર ક્રાઈમની તપાસમાં જબરી સફળતા મળી છે. સામાન્ય વાહન ચેકિંગ દરમ્યાન મળેલી કેટલીક વિગતોના આધારે તપાસ શરૂ થતાં, આ આંતરરાષ્ટ્રીય કૌભાંડ બહાર આવ્યું જેમાં હવે એકસાથે 8 બેંક કર્મચારીઓની પણ ધરપકડ થતાં સમગ્ર રાજ્યમાં સનસનાટી વ્યાપી ગઈ છે.
ગુજરાતનું આ સૌથી મોટું ઈન્ટરનેશનલ સાયબર કૌભાંડ બહાર લાવનાર સુરતની ઉધના પોલીસે નવી વિગતો જાહેર કરી છે. જેમાં જણાવાયા અનુસાર, આ સાયબર ક્રાઈમનો હજુ સુધીનો આંકડો રૂ. 1,550 કરોડનો છે. આ કૌભાંડમાં RBL બેંકના 2 ડેપ્યુટી મેનેજર સહિત કુલ 8 કર્મચારીઓની ધરપકડ થઈ છે. બોગસ બેંક એકાઉન્ટ મારફતે આ આખો ખેલ ચાલતો હતો. સાયબર ગુનાઓની રકમો સુરતની આ બેંકમાં જમા થતી હતી.
આ કૌભાંડમાં બેંકના 165 કરંટ એકાઉન્ટનો ઉપયોગ થયો છે. ફ્રોડની રકમ આ બેંક એકાઉન્ટ્સમાં જમા થઈ જાય પછી, USDT મારફતે આ નાણાં થાઈલેન્ડ, મલેશિયા અને ક્યુબા જેવા દેશોમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતાં. બેંકના 2 ડેપ્યુટી મેનેજર ઉપરાંત એક એરિયા હેડ અને 5 રિલેશનશિપ ઓફિસરની ધરપકડ થઈ છે.
આ સમગ્ર રેકેટનો માસ્ટર માઇન્ડ કિરાત જાદવણી જાહેર થયો છે. તેની બહેન વૃંદા અને દિવ્યેશ ચક્રરાની પણ આ કૌભાંડમાં વધુ સક્રિય રહ્યા હતાં. દિવ્યેશ અને વૃંદા હાલ દૂબઈ છે એમ પોલીસ કહે છે. કિરાતની ધરપકડ થઈ છે. આ મામલામાં કિરાત ઉપરાંત મિત ખોખર અને તેનો સંબંધી મામો મયૂર ઈટાલીયા હાલ જેલમાં છે.
-બેંકમાં નોકરીની સાથેસાથે આ રેકેટમાં પણ ભાગ લેનાર કર્મચારીઓના નામો…
કલ્પેશ કાંતિ કથેરીયા(સૂરત, મૂળ વતની ભાવનગર)- આશિષ અશોક ઘાડિયા(સુરત, મૂળ વતની અમરેલી)- અનિલ પ્રવીણ જાની(સુરત, મૂળ વતની ભાવનગર)- મેન્સી છગન ગોટી(સુરત, મૂળ વતની ભાવનગર)- નરેશ મનસુખ મનાણી(સુરત, મૂળ વતની જામનગર)- અરૂણ બાબુ ઘોઘારી(સુરત, મૂળ વતની ભાવનગર)- અમિત ફૂલચંદ ગુપ્તા(સુરત, મૂળ વતની જોનપુર) અને કલ્પેશ સોમજી કાકડીયા(સુરત, મૂળ વતની અમરેલી)