Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશ્વવિખ્યાત દ્વારકા મંદિરથી થોડાક જ અંતરે નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શિવ ભક્તો સ્વયંભૂ જ્યોતિર્લિંગ નાગેશ્વર ભગવાનના દર્શન કરવા આવતા હોય છે. સૌરાષ્ટ્રમાં સોમનાથ, શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓંકારેશ્વર, અમલેશ્વર… પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમશંકર, સેતુબંધમાં રામેશ્વર, દારુકાવનમાં નાગેશ્વર… વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમીના તટ પર ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર, શિવાલયમાં ઘુષ્ણેશ્વર..ભારતમાં આ બાર જ્યોતિર્લિંગ આવેલા છે.
આ પૌરાણિક નાગેશ્વર મંદિરની સ્થાપના વિશે વિવિધ માન્યતાઓ પ્રચલિત છે. આ મંદિરની સ્થાપના વિશેની કથા એવી છે કે ભૂતકાળમાં અહીં સમુદ્રકાંઠે આવેલા વનમાં દારૂક નામના રાક્ષસ અને દારૂકા નામની રાક્ષસીનો આતંક હતો. દારૂકાના આતંકથી પૂજાને બચાવવા શિવભક્તે અહીં સરોવર કિનારે માટીનું શિવલિંગ બનાવીને ભગવાન શિવજીની આરાધના કરી. કઠોર તપશ્ચર્યાથી ભગવાન શિવ પ્રસન્ન થતાં નાગેશે દારૂક અને દારૂકાનું પતન કરવાનું વરદાન માગ્યું. શિવભક્તિથી આ રાક્ષસી દંપતિનો નાશ થયો. ભગવાન શિવ અને દેવી પાર્વતીએ અહીં શિવલિંગ જ્યોતિર્લીંગ તરીકે પૂજાશે, તેવું વરદાન આપ્યું. ભક્ત નાગેશની તપશ્ચર્યાથી પ્રગટ થયેલા શિવલિંગના કારણે આ સ્થળ નાગેશ્વર તરીકે પ્રચલિત થયું.
મથુરાથી મથુરાના પ્રજાજનોના વિકાસઅર્થે યુદ્ધના વાતાવરણ માંથી વિકાસના માર્ગે વાળવાના હેતુથી દ્વારકા વસાવનાર ભગવાન શ્રીકૃષ્ણે અનાદિકાળથી રહેલા નાગેશ્વર મહાદેવની પૂજા અભિષેક કરીને શિવજી પાસેથી પશુપતાસ્ત્ર મેળવ્યું હતું અને સમુદ્રક્ષેત્રના શંખ, કુશ, દારૂકા વગેરે રાક્ષસોના દળ-બળનો નાશ કર્યો હતો અને મનુષ્યના વસવાટ માટે આ ક્ષેત્રને નિર્ભય બનાવ્યું હતું તેવી માન્યતા પણ છે અને તેને શ્રીમદ્ ભાગવત વગેરે પુરાણો-ગ્રંથોનું સમર્થન મળે છે.નજીકમાં જીલકા નદી, ભીમગજા સરોવર અને મંદિરને અડીને જ આવેલા કમળ સરોવરમાં કમળો ઉગે છે. આ ભવ્ય તીર્થધામના દર્શન કરવા એ લ્હાવો છે, તેમાંય શિવરાત્રિના દિવસે તો અહીં ભક્તિ મેળાનું દૃશ્ય ખડું થતું હોય છે.
દ્વારકાથી અંદાજે 17 કિલોમીટરના અંતરે આવેલા નાગેશ્વર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને સ્વ.ગુલશનકુમારના ટ્રસ્ટ દ્વારા રૂા.5 કરોડના અંદાજિત ખર્ચે ભવ્ય મંદિર સંકુલ અને 85 ફૂટ ઊંચી શિવપ્રતિમાનું નિર્માણ થયું છે. ભક્ત સમૂદાય ઉપરાંત પર્યટકો અને પ્રવાસીઓ પણ શિવપ્રતિમા નિહાળવા અવશ્ય જતા હોય છે. લગભગ બારે માસ પ્રવાસીઓથી ધમધમતું નાગેશ્વર મંદિર શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના દિવસે ભક્તિ મેળાથી ઊમટતા માનવ મહેરામણથી છલકાઇ જાય છે.રાજ્ય સરકાર દ્વારા સામાજીક વનીકરણ યોજના હેઠળ વર્ષ 2013/14માં નાગેશ્વર ખાતે રાજયકક્ષાના 64 મા વન મહોત્સવની ઉજણવી માટે 10માં સાંસ્કૃતિક વન નાગેશવનનું નિમાર્ણ કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. અહીં પૂજા અર્ચના કરી ભક્તજનો ધન્યતા અનુભવે છે.(આલેખન:માહિતી વિભાગ:દેવભૂમિ દ્વારકા)