Mysamachar.in-અમદાવાદ:
રાજ્યભરની ખાનગી હોસ્પિટલોએ અત્યાર સુધીમાં લાખો દર્દીઓને આપેલી મેડિકલ સારવાર દરમ્યાન ખુદના મેડિકલ સ્ટોર મારફતે અબજો રૂપિયાનો ‘ધંધો’ પણ કરી લીધો છે. આ સંબંધે એક મામલો રાજ્યની વડી અદાલતમાં લાંબા સમયથી ચાલી રહ્યો હતો જેમાં જાણીતી ખાનગી હોસ્પિટલોને કાનૂની પછડાટ મળી છે. આ મામલામાં વડી અદાલતે માઇલસ્ટોન કહી શકાય એવો ચુકાદો આપ્યો છે. આ ચુકાદાથી સરકારને અબજો રૂપિયાની કરઆવક થશે.
રાજ્યની જાણીતી ખાનગી હોસ્પિટલો સ્ટર્લિંગ, બેંકર્સ કાર્ડિયોલોજી, શેલ્બિ, CIMS અને વોકહાર્ટ વગેરે દ્વારા અદાલતમાં વિવિધ અરજીઓ કરવામાં આવી હતી. જેમાં કહેવાયું હતું કે, સરકાર દ્વારા વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે VAT સંબંધે જે ટેક્સ ડિમાંડ નોટિસ હોસ્પિટલોને આપવામાં આવી છે તે નોટિસને અમો હોસ્પિટલો કાનૂની પડકાર આપી રહ્યા છીએ.
વડી અદાલતની ખંડપીઠે આ ખાનગી હોસ્પિટલોની અરજીઓ ફગાવી દેતો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં ઈન્ડોર દર્દીઓને આપવામાં આવતી સારવારમાં વપરાતી સામગ્રીઓ જેમ કે દવાઓ, પ્રોસ્થેટિક્સ, implants તથા સ્ટેન્ટ્સ જેવી ચીજો ખરેખર તો દર્દીઓને વેચાણથી આપવામાં આવેલી ચીજો છે. તેના પર VAT વસૂલવાની સરકારની સતાને વડી અદાલતે બહાલી આપી છે.
આ તમામ સામગ્રીઓ પર સરકાર દ્વારા લેવામાં આવતાં ટેક્સને વડી અદાલતે કાયદેસર અને યોગ્ય ઠરાવ્યો છે. સરકારે આ બધી હોસ્પિટલોને આ સંબંધે જે ટેક્સ ડિમાંડ નોટિસ મોકલી છે તેનો આંકડો રૂ. 1,200 કરોડ જેટલો છે. ખાનગી હોસ્પિટલોએ આ નાણાં સરકારને આપવા પડશે. અગાઉ VAT તરીકે ઓળખાતી આ વ્યવસ્થા હાલ SGST તરીકે ઓળખાય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ખાનગી હોસ્પિટલોએ આજથી 14 વર્ષ અગાઉ સરકારને આ કાનૂની પડકાર આપ્યો હતો. હોસ્પિટલોની દલીલ એવી હતી કે, ઉપરોકત બાબતો સંયુક્ત તબીબી સેવાઓ છે જેને કરવેરાના હેતુ માટે ‘વેચાણ’ તરીકે ઠરાવી શકાય નહીં. અદાલતે આ દલીલ માન્ય રાખી નથી.
અદાલતે રાજ્ય સરકારની દલીલો ગ્રાહ્ય રાખી અને ચુકાદામાં નોંધ કરી કે, 46મા બંધારણીય સુધારા પછી ઈન્ડોર દર્દીઓને આરોગ્યસંભાળ સેવાઓ સહિત તમામ સંયુક્ત કરારોને ‘વર્કસ કોન્ટ્રેક્ટ’ ગણી શકાય. પરિણામે, આવી સેવાઓમાં સમાવિષ્ટ સામગ્રીઓના ટ્રાન્સફર પરનો ટેક્સ વાજબી, માન્ય અને યોગ્ય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીનો સૌનો અનુભવ એવો રહ્યો છે કે, ખાનગી હોસ્પિટલોએ દર્દીઓને ATM જ ગણી આવી દવાઓ સહિતની બધી જ મેડિકલ સામગ્રીઓ છૂટથી વેચાણ કરી છે અને દર્દીઓ પાસેથી અબજો રૂપિયાનો ધંધો હોસ્પિટલોના ખુદના મેડિકલ સ્ટોર મારફતે થયો છે. હવે સરકારે આ ચીજો પરના બાકી ટેક્સની માંગણી કરતાં મામલો અદાલત સમક્ષ ગયો હતો. જેમાં સરકાર પક્ષનો વિજય થયો છે.