Mysamachar.in-જામનગર:
જામનગર સહિત હાલાર તેમજ સમગ્ર રાજયમાં 2004ની સાલથી ખેડૂતોની જમીનોની માપણી કામગીરીઓ ચાલી રહી છે, જે આજની તારીખે 2025માં પણ પૂર્ણ થઈ નથી. હવે મંત્રીએ જાહેર કર્યું છે કે, માપણી કામગીરીઓ સામેનો વાંધો ખેડૂતો સાદી અરજીથી પણ નોંધાવી શકે છે અને કોઈ પણ માપણી ફી લીધાં વિના આ કામગીરીઓ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હજુ પણ રાજ્યમાં દસેક હજારથી વધુ ખેડૂતો એવા છે જેમની વાંધાઅરજીઓનો હજુ ઉકેલ આવી શક્યો નથી.
સેટેલાઇટ મારફતે રાજ્યના 18,000 કરતાં વધુ ગામોમાં ખેતીની જમીનોની માપણીની આ કામગીરીઓ 2004માં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ચાર CM બદલાઈ ચૂક્યા છે. આ કામગીરીઓ આજે 21 વર્ષ બાદ પણ પૂર્ણ થઈ નથી. હજારો વાંધા અરજીઓને કારણે સરકારે 7-7 વખત તો રિ-સર્વે કામગીરીઓ કરવી પડી. અને, છેલ્લે 2023માં આ કામગીરીઓ બંધ પણ કરી દેવામાં આવી હતી, જે ફરી ચાલુ કરવી પડી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં આ કામગીરીઓ વિરુદ્ધ શાસકપક્ષ અને વિપક્ષના 50થી વધુ ધારાસભ્યો રજૂઆત પણ કરી ચૂક્યા છે. અને, આ કામગીરીઓ પૂર્ણ કરવા સરકારે 2008 થી 2018 સુધીમાં જુદાજુદા 9 કોન્ટ્રાક્ટરોને કુલ રૂ. 272 કરોડ ચૂકવી દીધાં પછી પણ પરિણામ પ્રાપ્ત થયું ન હતું. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ કામગીરીઓ એવી રીતે થઈ હતી કે, 6 લાખથી વધુ ખેડૂતોએ કામગીરીઓમાં ગોટાળા મામલે વાંધા અરજીઓ કરવી પડી હતી. સરકારે આ સમગ્ર યોજનાને ‘ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ’ DILRMP નામ આપ્યું હતું. આજે પણ હજારો વાંધા અરજીઓ પડતર છે. સરકાર કહે છે, હવે થોડા સમયમાં આ કામગીરીઓ પૂર્ણ થઈ જશે.