Mysamachar.in-જામનગર:
જામનગરમાં રંગમતી-નાગમતી નદીના પાણીમાં તથા શહેરની મધ્યમાં આવેલાં તળાવના પાણીમાં અતિ જોખમી રીતે પ્રદૂષણના રૂપમાં ‘ઝેર’ ભળી રહ્યું છે. અચરજ અને અફસોસની બાબત એ છે કે, આ ઝેર અંગે કયાંય, કોઈને, કશી ચિંતાઓ નથી. જામનગરની નદીમાં ચોમાસા દરમ્યાન અને સામાન્ય દિવસોમાં પણ દરેડના અસંખ્ય ઉદ્યોગોનું ઝેરી પાણી ઠલવાતું રહે છે. તાજેતરમાં વરસાદના દિવસો દરમ્યાન આ પાણી પૈકી અમુક જથ્થો નગરના તળાવમાં ઠાલવવામાં આવ્યો છે. આ સ્થિતિઓને કારણે નદીના અને તળાવમાં ‘ઝેર’ ભળી ગયું છે. નદીના કાંઠા વિસ્તારોમાં મોરકંડાથી માંડીને ગાંધીનગર સુધીના સેંકડો વિસ્તારોમાં બેથી અઢી લાખ નગરજનો વસવાટ કરે છે, આ ઉપરાંત તળાવની આસપાસની પેરીફેરીમાં પણ હજારો લોકો વસવાટ કરી રહ્યા છે.
નદીકાંઠાના અને તળાવ આસપાસના આ લાખો નગરજનો બોર, કૂવા અને ડંકીઓ ધરાવે છે, આ ભૂગર્ભજળનો ઉપયોગ વપરાશના પાણી તરીકે તેમજ પીવાના પાણી તરીકે થાય છે. આ ઉપરાંત આ બધાં જ વિસ્તારોમાં પીવાના પાણીનો વ્યવસાય કરતાં હોય એવા પણ અનેક લોકો છે, જે જમીનમાંનું પાણી લૂઝમાં અને પેકિંગમાં વેચાણ કરે છે. આ બધું જ લાખો લિટર પાણી રોજેરોજ લાખો નગરજનોના આંતરડામાં ભળે છે. આ ‘ઝેર’ને કારણે હજારો લોકો ચામડીના રોગો અને પથરી સહિતના કીડનીના રોગો ઉપરાંત આંતરડાના રોગો સહિત અન્ય કેટલાંયે રોગોનો ભોગ બનતાં હોવાની સંભાવનાઓ છે. આ અંગે કયારેય પધ્ધતિસરનો અભ્યાસ કે સર્વે થયો નથી. જો આ અભ્યાસ થાય તો અસંખ્ય પ્રકારની પાણીજન્ય બિમારીઓ અને આવી બિમારીઓને કારણે થયેલાં અથવા થતાં મોતનો આંકડો પણ બહાર આવવાની પણ શકયતાઓ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.
-જામનગરના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ભૂમિકા હંમેશા શંકાના દાયરામાં શા માટે રહે છે ?!…
જામનગરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી આવેલી છે. આ કચેરીનું ગાંધીનગર ‘ખસીકરણ’ કરી નાંખવામાં આવ્યું હોય તેમ અહીં કયારેય, કોઈ ભારાડી અધિકારીને મૂકવામાં આવતાં નથી. આ કચેરી લાંબી લાંબી અને બેમતલબ વાતો કરવામાં પાવરધી અને પરિણામલક્ષી કામગીરીઓ કરવામાં ઝીરો હોવાની છાપ અમસ્તી જ ઉભી નથી થઈ.
ચોમાસામાં વહેતાં પાણીમાં જૈવિક કચરો હોય જ, અનેક જાતના બેકટેરિયા પણ હોય, આ કોઈ નવી વાત નથી. આ બાબત સૌ જાણે છે જ, છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ ચીલાચાલુ વિગતો જાહેર કરીને કોઈ મોટું સંશોધન કે પરાક્રમ કર્યું હોય તે રીતે, આ બાબતની વધામણી ખાવામાં આવી રહી છે. નદી અને તળાવના પાણીમાં પુષ્કળ ફીણ છે અને અસંખ્ય ઉદ્યોગોનું ઝેરી પાણી પણ નદી અને તળાવમાં ઠલવાઈ રહ્યું છે, આમ છતાં આ ઔદ્યોગિક પ્રદૂષણની વાત છૂપાવવા માટે જૈવિક પ્રદૂષણની બૂમો પાડવામાં આવી રહી છે.
ગુજરાતભરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કેવી રીતે કામ કરે છે તેનો એક નમૂનો: જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા અનુસાર, વર્ષ 2024માં પ્રદૂષણ મામલે જામનગરના 19 એકમોને કલોઝર નોટિસ આપવામાં આવેલી, અન્ય 34 ઔદ્યોગિક એકમોને ચેતવણી આપતી નોટિસ આપવામાં આવેલી. ત્યારબાદ શું થયું ? જામનગરમાં પ્રદૂષણ બાબતે કેટલાં ઔદ્યોગિક એકમો બંધ કરાવવામાં આવ્યા ? તે વિગતો સરકાર ઓનલાઈન મૂકે છે પણ એવી રીતે જાહેર કરવામાં આવે કે, માત્ર GPCB અધિકારીઓ જ આ વિગતો જોઈ શકે અને આ અધિકારીઓ આ વિગતો કયારેય જાહેર કરતાં નથી. ટૂંકમાં, સરકાર પ્રદૂષણ નિયંત્રણ મામલે ગંભીર છે કે નહીં, એ વિગતો લોકો સુધી પહોંચાડવામાં આવતી નથી. GPCBના કર્મચારીઓ દોરડું અને ડબલાં વડે પાણીના નમૂનાઓ લઈ રહ્યા હોય એવી ફાલતૂ વિગતો જ બોર્ડ અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે !