Mysamachar.in-જામનગર:
વડાપ્રધાને ગઈકાલે સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે સંસદમાં પ્રવેશતા પહેલાં, સંસદની બહાર પત્રકારો સમક્ષ આપેલાં ભાષણમાં જણાવ્યું કે, 2014 પહેલાં બેફામ મોંઘવારી હતી. હવે સામાન્ય માણસને તેમાં ‘રાહત’ મળી છે. પરંતુ જામનગર મહાનગરપાલિકામાં સ્થિતિઓ કંઈક અલગ છે. મહાનગરપાલિકા માને છે કે, મોંઘવારીમાં તોતિંગ વધારો થયો હોય, શહેરમાંથી કચરો એકત્ર કરતાં કોન્ટ્રાક્ટરને દર વર્ષે આ કામ માટે વધુ નાણાં આપવા જોઈએ. કોન્ટ્રાક્ટરના પરિવારની મહાનગરપાલિકા ચિંતાઓ કરી રહી છે. અને, એ માટેના ખર્ચના આંકડાઓ ‘સેટ’ કરી લેવામાં આવ્યા છે. આમાં કોઈએ પણ ‘સેટિંગ’ની શંકાઓ ન કરવી જોઈએ કારણ કે, દર વર્ષે મોંઘવારી વધતી રહેતી હોય એટલે અગાઉના વર્ષો કરતાં, ‘કામ’ કરાવવું મોંઘુ તો પડે જ- આ તર્ક અવ્યવહારૂ નથી.
જામનગર મહાનગરપાલિકા શહેરમાં ઘરેઘરેથી કચરો એકત્ર કરવાનો કોન્ટ્રાક્ટ દસ વર્ષ માટે આપવા ઈચ્છતી હતી. પરંતુ તે દરમ્યાન વિવાદ થયો. ખુદ શાસકપક્ષમાં પણ મતભેદ સર્જાયા હતાં, એવું જાહેર થયેલું. 2/3 વખત આખી કસરત અને પ્રેઝન્ટેશન થયા, બાદમાં સૌએ હસતાં મોંએ સ્વીકારી લીધું કે, કોન્ટ્રાક્ટ 5 વર્ષ માટે આપી દઈએ. અને, આ માટેની બધી જ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે.
આધારભૂત સૂત્ર કહે છે: કોન્ટ્રાક્ટરને 5 વર્ષનો કોન્ટ્રાક્ટ રૂ. 270 કરોડમાં આપવામાં આવશે, એ ફાઈનલ. આગામી 30 જૂલાઈ સુધીમાં શહેરના 2 ઝોન માટે કોન્ટ્રાક્ટ ફાઈનલ થઈ જશે અને સંભવત: 4 ઓગસ્ટે તેની સત્તાવાર જાહેરાત પણ થઈ જશે. આ પ્રોસેસ જો કે ઓનલાઈન રહેશે. અત્યારે શહેરમાંથી કચરો એકત્ર કરવાની કામગીરીઓમાં કોન્ટ્રાક્ટરને કચરાના વજનના બદલામાં નાણાં આપવામાં આવે છે. હવે નવા પંચવર્ષીય કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાક્ટરને નાણાંની ચૂકવણી કચરાના વાહનની ટ્રીપ મુજબ આપવામાં આવશે, એવો એક નવો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, જાણકારોના કહેવા મુજબ વજન સામે ચૂકવણામાં કાગળ પર જે ‘ચિતરામણ’ થતું એવું જ ચિતરામણ ટ્રીપ સામે ચૂકવણામાં પણ શક્ય હોય છે.
-નવા કોન્ટ્રાક્ટમાં નગરજનોને કચરો કરવો મોંઘો પડી જશે…
કચરો ઉપાડવાના હાલના કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાક્ટરને વર્ષે રૂ. 35 કરોડ આપવામાં આવે છે. તેના અડધાં રૂ. 17.5 કરોડ થાય. અડધાં કરતાં વધારે એટલે કે, દર વર્ષે રૂ. 19 કરોડ વધારાના નાણાં તરીકે કોન્ટ્રાક્ટરને આપવામાં આવશે. એટલે કે હવે મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટરને દર વર્ષે રૂ. 35 કરોડના બદલે રૂ. 54 કરોડ આપશે. 5 વર્ષનો કોન્ટ્રાક્ટ રૂ. 270 કરોડમાં આપશે. એટલે કે, કરદાતા નગરજનોની મહાનગરપાલિકા નામની તિજોરીમાંથી આટલાં વધુ નાણાં કોન્ટ્રાક્ટરના પરિવારના ક્ષેમકુશળ માટે આપવામાં આવશે. કોન્ટ્રાક્ટરને બિચારાને મોંઘવારી ખૂબ જ નડી રહી છે, એવો શાસનનો મત હોય શકે છે. મોંઘવારી સૌને નડે. કોઈએ આ તોતિંગ ભાવવધારા બાબતે કશી જ શંકાઓ કરવી ન જોઈએ.
ધારો કે, આ ભાવવધારામાં કોઈ ગણિત કે વિજ્ઞાન હોય તો પણ, કોન્ટ્રાક્ટની ઓનલાઈન વિગતો પરથી કોઈ આ બાબત પકડી ન શકે. ઓનલાઈન પ્લેટફોર્મની આ એક અનન્ય વિશેષતા છે. ઓનલાઈન પ્લેટફોર્મ પારદર્શક વહીવટનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, એવો પ્રચાર સૌ સંબંધિતો કરે છે. અને, દરેક કોન્ટ્રાક્ટમાં ‘રિંગ’ તો હોય જ, આ કચરાનો કોન્ટ્રાક્ટ પણ અન્ય કોન્ટ્રાક્ટ જેવો જ હોય છે, જેમાં ઘણી વણલિખિત પરંપરાઓ સૌએ જાળવવાની હોય છે. અને, છેલ્લે સૌથી મહત્વનો મુદ્દો કચરો હંમેશા ‘ગંધારો’ જ હોય- જામનગરના કચરાની ગંધ વર્ષોથી કુખ્યાત છે.