Mysamachar.in-જામનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત બધાં જ નાનામોટાં શહેરોમાં સરકારની માલિકીના સર્કીટ હાઉસ અંગ્રેજોના સમયથી ધમધમી રહ્યા છે. હવે આ સર્કીટ હાઉસને PPP મોડેલ નામ આપીને ‘ખાનગી’ હોટેલ બનાવી નાંખવામાં આવશે, આ માટેની પ્રોસેસ ઝડપભેર આગળ વધી રહી છે.
રાજ્યના તમામ સરકારી સર્કીટ હાઉસને ખાનગી હાથોમાં સોંપી દેવાની આ પ્રક્રિયાઓમાં હાલ 11 સર્કીટ હાઉસ પર સરકારે નજર ઠેરવી છે. તેમાં પણ 2 તબક્કા રાખવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં 3 યાત્રાધામ દ્વારકા, અંબાજી અને ડાકોરના 3 સરકારી આરામગૃહ ખાનગી ધંધાર્થીઓને સોંપવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કામાં જામનગર સહિતના શહેરોના આરામગૃહોનું ખાનગીકરણ થશે.
જાહેર થયેલી વિગત અનુસાર, થોડાં સમય અગાઉ કેબિનેટ પ્રધાન જગદીશ વિશ્વકર્મા તથા CMના મુખ્ય સલાહકાર હસમુખ અઢીયા વગેરેની એક બેઠક યોજાઈ હતી, જેમાં આ યોજનાની શરતો વગેરેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સમગ્ર યોજના પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે PPP મોડેલ આધારિત રહેશે.
સૂત્ર જણાવે છે કે, દ્વારકા સહિતના યાત્રાધામોના સર્કીટ હાઉસ 10 વર્ષ માટે અને જામનગર સહિતની મહાનગરપાલિકાઓના સર્કીટ હાઉસ 3 વર્ષ માટે હાલ ખાનગીકરણ પામશે. આમ આ બધાં સર્કીટ હાઉસ ‘હોટેલ’ બની જશે એટલે પૈસા ખર્ચી શકે એવી કોઈ પણ ખાનગી વ્યક્તિઓ પણ નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ માફક આ હોટેલોમાં નિવાસ કરી શકશે. જો કે તેમણે આ માટે પ્રીમિયમ ચાર્જ ચૂકવવાનો રહેશે.
-સરકારે શું પ્લાન બનાવ્યો છે ?..
આ યોજના લાગુ થયા બાદ પણ તમામ સર્કીટ હાઉસની માલિકી સરકારની રહેશે. ખાનગી પાર્ટીઓ સંચાલન કરશે. જે ખાનગી ધંધાર્થીઓ 4 સ્ટાર કે 5 સ્ટાર હોટેલ સંચાલનનો અનુભવ ધરાવતાં હશે તેઓ જ ટેન્ડર મેળવી શકશે. રેસ્ટોરન્ટ, કેટરિંગ, આવક, હિસાબ, રૂમ સર્વિસ, સિવિલ, ઈલેક્ટ્રીક વર્ક, ફિનિશિંગ અને સફાઈ સહિતની બાબતો ખાનગી વ્યક્તિઓ હસ્તક રહેશે. દિલ્હીના ગરવી ગુર્જરી અતિથિગૃહનું મોડેલ અહીં ગુજરાતમાં અપનાવવામાં આવશે.
નવા મોડેલ મુજબ, આ તમામ હોટેલમાં 25 ટકા રૂમ સરકાર માટે રિઝર્વ રહેશે. જે પૈકી 2 રૂમ 365 દિવસ VVIP માટે રિઝર્વ રહેશે. જો કે એ માટે ભાડા ચૂકવણી કરવાની રહેશે. આમ હવે વધુ એક સરકારી વિભાગ ખાનગી હાથોમાં જશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આધુનિક ગુજરાત મોડેલમાં ખાનગીકરણ છેલ્લા કેટલાંક વર્ષોથી અગ્રતાક્રમે દોડી રહેલો કોન્સેપ્ટ છે.