Mysamachar.in-ગાંધીનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાં રાતદિવસ ધમધમી રહેલાં અને કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા અને મોટો નફો ગજવામાં ઘાલતાં પેટ્રોલપંપો પર કોઈ પ્રકારની અનિયમિતતાઓ કે ગેરરીતિઓ થાય છે કે કેમ ? એ જાણવા રાજ્ય સરકારે તાજેતરમાં સતત બે દિવસ સુધી કસરતો કરી. જો કે, આ કામગીરીઓ એક અર્થમાં હળવી રહી હતી એમ સૂત્ર જણાવે છે.
આ તપાસ તથા ચકાસણીઓ બાદ જે આંકડાઓ જાહેર થયા, એ આંકડાઓ દર્શાવે છે કે, રાજ્યના 94 ટકા પેટ્રોલપંપ દૂધે ધોયેલાં છે. જ્યાં સરકારના એક પણ કાયદા, નિયમ કે જોગવાઈનો ભંગ થતો નથી. બધું જ બરાબર ચાલી રહ્યું છે એવું આડકતરૂં પ્રમાણપત્ર આ બધાં ધંધાર્થીઓને આપી દેવામાં આવ્યું છે. માત્ર 6 ટકા પેટ્રોલપંપ પર એકદમ સામાન્ય પ્રકારની અનિયમિતતાઓ જ જોવા મળી છે અને આ 6 ટકા વિરુદ્ધ શું કાર્યવાહીઓ કરવામાં આવી છે- એ પણ જાહેર કરવામાં આવ્યું નથી.
પેટ્રોલપંપના બિઝનેસમાં કાયદેસરની કમાણી તોતિંગ હોવાનું સૌ કોઈ જાણે છે. આ ઉપરાંત પેટ્રોલપંપના ચોક્કસ કર્મચારીઓ મારફતે ચોક્કસ પ્રકારના ‘ખેલ’ વધારાની કમાણી માટે તથા ઓછા પગારી સ્ટાફને સાચવવા ચલાવવામાં આવતાં હોવાનું સૂત્ર જણાવે છે. આ પ્રકારના ‘ખેલ’ ઘણી વખત બહાર પણ આવી જતાં હોય છે, ગ્રાહકો સાથેની માથાકૂટના વીડિયોઝ પણ ઘણી વખત વાયરલ થતાં હોય છે. જો કે સરકારી તંત્રો દ્વારા જે ‘દરોડા’ પાડવામાં આવ્યાનું જાહેર થયું છે એમાં 267 પેટ્રોલપંપ પૈકી 251 પેટ્રોલપંપ નિયમસર ચાલે છે. એમ જાહેર કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, પેટ્રોલ સહિતના ઈંધણો વગેરેમાં ભેળસેળ, ગ્રીસ જેવી અન્ય ચીજોમાં ‘નકલી’ અને પંપો યોગ્ય રીતે ન ચાલવા, ટોયલેટ બ્લોક અને હવા ભરવાની તેમજ પાણી વગેરેની વ્યવસ્થાઓ, સલામતી અને સુરક્ષાના નિયમોનું પાલન ન કરવું અથવા અધકચરૂં પાલન કરવું સહિતની અનેક અનિયમિતતાઓ અને ગેરરીતિઓ અંગે અવારનવાર ફરિયાદો ઉઠતી રહેતી હોય છે પરંતુ આ ચેકિંગ ડ્રાઈવ દરમ્યાન 33 જિલ્લાઓ પૈકી માત્ર 16 જ પંપ પર એકદમ હળવા પ્રકારની અનિયમિતતાઓ બહાર આવી. અને, જામનગર તોલમાપ વિભાગના મુખ્ય અધિકારી આર.કે.ડામોર કહે છે, જિલ્લામાં આ ડ્રાઈવ દરમ્યાન અડધો ડઝન પેટ્રોલપંપની વિઝિટ કરવામાં આવી હતી, બધે જ, બધું જ વ્યવસ્થિત ચાલી રહ્યું છે.