Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામથકના એસટી ડેપો મેનેજરની ફરજો પ્રત્યેની બેદરકારીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સત્તાવાળાઓએ આ મેનેજરને સસ્પેન્સનનો હુકમ પકડાવી દીધો છે અને સાથે જ બદલી કરી, જિલ્લાના છેવાડે મોકલી દીધાં. આ મામલો એવો છે કે, દ્વારકા-રાજકોટ રૂટની 18 જૂલાઈની એસટી બસ રોડ પર દોડી રહી હતી ત્યારે, બસનું પાછળના એક જોટા પૈકીનું અંદરનું એક ટાયર કોઈ કારણસર બ્લાસ્ટ થયું અને બસનું પતરૂં જોખમી રીતે તૂટી ગયું. ત્યારબાદ આ બસના ડ્રાઇવર જોખમી બસને રિપેર માટે પ્રવાસીઓ સાથે ધ્રોલ એસટી ડેપો ખાતે લઇ ગયા.
ડ્રાઇવરની વિનંતી છતાં ધ્રોલ ડેપો મેનેજર રફીક શેખે ડ્રાઇવરને રૂટ પૂરો કરવા ફરજ પાડી. જોખમ ધરાવતી બસ પ્રત્યે તકેદારી ન લીધી. અને, અધૂરામાં પૂરૂં આ આખો મામલો સોશિયલ મીડિયામાં વીડિયો તરીકે વાયરલ થયો જેને કારણે સમગ્ર રાજ્યમાં એસટી નિગમની આબરૂની ફજેતી થઈ. આ પ્રકારના બધાં જ કારણો ધ્યાન પર લઈ જામનગર એસટીના વિભાગીય યાંત્રિક ઈજનેર એસ.કે.કલોલાએ આ ડેપો મેનેજર રફીક શેખને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે. અને, સસ્પેન્સન દરમ્યાન આ ડેપો મેનેજરે રોજ સવારે 9 થી સાંજના 05-30 સુધી જામજોધપુર એસટી ડેપો ખાતે બેસવાનું રહેશે. આમ, આ પ્રકરણમાં ફરજમાં બેદરકારીઓ અને આ બેદરકારીઓ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર વાયરલ થવાથી આ ડેપો મેનેજરને હાલ ઘરે બેસવાનો વારો આવ્યો છે. આ મામલાએ એસટી વર્તુળમાં ચકચાર મચાવી છે.