Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગર તો બની જ ગયું છે સાથેસાથે શહેરની વસતિ, વિસ્તાર અને વાહનોની સંખ્યા સતત ઉમેરાતી રહે છે જેને કારણે RTO કચેરી પર કાર્યબોજ સતત વધી રહ્યો છે, તેની સામે સરકાર દ્વારા આ કચેરીમાં સેવાઓનો વિસ્તાર કરવામાં આવતો ન હોય લોકોને આ કચેરીમાં પોતાના કામો માટે દિવસો સુધી રાહ જોવી પડી રહી છે. સરકારે લોકોની આ તકલીફો દૂર કરવા કચેરીને બધી જ રીતે અપગ્રેડ કરવી જોઈએ એવી લોકલાગણી વ્યક્ત થઈ રહી છે.
જામનગર શહેર અને જિલ્લામાં વધતાં જતાં ઔદ્યોગિકરણને કારણે તથા શહેરની વસતિ અને વિસ્તારમાં સતત વધારો થઈ રહ્યો હોય, સમગ્ર જિલ્લામાં વાહનોની સંખ્યા સતત વધી રહી છે. વાહનોની સંખ્યા સતત વધી રહી હોય, નવા લર્નિંગ લાયસન્સ કઢાવવા, લાયસન્સ રિન્યુ કરાવવા, વાહનોનું રજિસ્ટ્રેશન કરાવવું તથા વાહનો ટ્રાન્સફર કરાવવા વગેરે બાબતો માટે કચેરીએ લોકોનો ધસારો રહે છે.
અત્યંત આધારભૂત સૂત્રના કહેવા અનુસાર, જામનગર શહેર અને જિલ્લામાં દૈનિક ધોરણે ઓછામાં ઓછા 200 કે તેથી વધુ લોકોને નવા ડ્રાઇવિંગ લાયસન્સની જરૂરિયાત ઉભી થતી હોય છે, જેની સામે સરકાર તરફથી દૈનિક વધુમાં વધુ 70 લોકોને જ આ સુવિધાઓ આપી શકાય તે પ્રકારની ઓનલાઈન સુવિધાઓ ઉપલબ્ધ છે. આથી દરરોજ 125 થી 150 જેટલાં લોકોના આ કામો અટકી પડે છે. અને મહિને ચારેક હજાર લોકોના કામોમાં વિલંબ થઈ રહ્યો છે.
લોકોની લાગણીઓ એવી છે કે, હાલની વ્યવસ્થાઓને બદલે જો રોજ દોઢસો પોણા બસ્સો જેટલાં લોકોને લાયસન્સ પ્રાપ્ત થઈ શકે એવી વ્યવસ્થાઓ ગોઠવી શકાય તો કચેરીમાં બેકલોગ ઘટાડી શકાય. લાયસન્સ મેળવવા માટેનો મોટો સ્લોટ, કોમ્પ્યુટરની સંખ્યા વધારવામાં આવે તથા સ્ટાફ વધારવામાં આવે તો લોકોની રોજબરોજની તકલીફો પણ ઘટાડી શકાય અને સરકારની આવકમાં પણ નોંધપાત્ર વધારો કરી શકાય. અને સાથે-સાથે શહેર અને જિલ્લામાં લાયસન્સ વગર વાહનો ચલાવતા ચાલકોની સંખ્યા પણ ઘટાડી શકાય. આ બધી બાબતો ધ્યાન પર લઈ સરકારે જામનગર RTO કચેરીને બધી જ બાબતોમાં અપગ્રેડ કરવી જોઈએ એવી લોકલાગણી છે.
જિલ્લાના ભારે ઔદ્યોગિકરણને કારણે સરકારને આ કચેરીમાં કરોડોની આવક પણ થઈ રહી છે, તેથી સરકારે આવકના પ્રમાણમાં આ કચેરીમાં સુવિધાઓ અને સેવાઓ પણ વિસ્તારવી જોઈએ એવી લોકમાંગણી અસ્થાને ન લેખી શકાય. આ ઉપરાંત સરકારે સર્વર સહિતની ટેક્નિકલ બાબતોમાં પણ ગાંધીનગર કક્ષાએથી વધુ ધ્યાન આપવાની જરૂરિયાત હોવાનું લોકો કહી રહ્યા છે. સરકારી મિકેનિઝમ ગાંધીનગર કક્ષાએથી વિસ્તૃત અને આધુનિક બનતું ન હોય, સ્થાનિકકક્ષાએ લોકો અને કચેરીનો સ્ટાફ, બંને પરેશાન હોવાની ફરિયાદો વધી રહી હોવાનું સૂત્ર જણાવે છે.