Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા
રાજ્યના હવામાન વિભાગે ગત્ 11મી જૂલાઈએ આગાહી કરી હતી કે, 12 થી 16 જૂલાઈ દરમ્યાન જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. જો કે રાજ્યના અમુક જ વિસ્તારોમાં આ તારીખો દરમ્યાન સામાન્ય વરસાદ નોંધાયો.
ત્યારબાદ, આજે 15 જૂલાઈએ હવામાન વિભાગે ફરી વખત આગાહી કરી કે, રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં આગામી 48 કલાક દરમ્યાન ભારે વરસાદ વરસી શકે છે. રાજ્ય પર હાલ 3 વરસાદી સિસ્ટમ ડેવલપ થઈ છે. જો કે આ આગાહી સાથે જ એમ પણ કહેવાયું છે કે, આગામી એકાદ બે દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે. મતલબ વરસાદની આ ત્રણેય સિસ્ટમ વિખેરાઈને નબળી પડી શકે છે. દરમ્યાન, જામનગર અને દ્વારકા જિલ્લાઓમાં પાછલાં સોએક કલાકથી વરાપ જેવી સ્થિતિઓ છે. કયાંય નોંધપાત્ર વરસાદ થયો નથી. મહત્તમ તાપમાન પણ વધીને 34 ડિગ્રી આસપાસ રહે છે. અને, હાલારના આકાશમાં વરસાદી વાદળોની જમાવટ હાલ જોવા મળી નથી.
આ વર્ષનું ચોમાસુ અત્યાર સુધી સમગ્ર હાલાર માટે એકંદરે સામાન્ય રહ્યુ છે. કોઈ પણ પંથક વરસાદથી વંચિત રહ્યો નથી. બીજી તરફ જામનગરના જોડીયા તથા દ્વારકાના કલ્યાણપુરમાં આ ચોમાસામાં સૌથી વધુ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
-જામનગર શહેર-જિલ્લાનો અત્યાર સુધીનો, 15 જૂલાઈ સુધીનો વરસાદ..
જામનગર શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 24 ઈંચ જેટલો વરસાદ જોડીયામાં નોંધાયો છે. જિલ્લામાં બીજા ક્રમે જામજોધપુર તાલુકો છે, જ્યાં તાલુકામથકે 15 ઈંચ વરસાદ નોંધાયો છે. કાલાવડમાં 14.5 ઈંચ વરસાદ થયો છે. લાલપુરમાં 12 ઈંચ અને જામનગરમાં અત્યાર સુધીમાં 10.5 ઈંચ અને ધ્રોલમાં સૌથી ઓછો 10 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદની અત્યાર સુધીની પેટર્ન એવી રહી કે, સૌથી વધુ વરસાદ જોડીયામાં થયો અને જોડીયાની બાજુના જ ધ્રોલમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો. અને, આ બંને મથકો વચ્ચે 14 ઈંચ વરસાદનો તફાવત રહ્યો.
-દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં દે ધનાધન..
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ કલ્યાણપુરમાં 21.5 ઈંચ વરસાદ વરસ્યો છે. આ જિલ્લામાં બીજા ક્રમે દ્વારકા છે, જ્યાં 16 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ખંભાળિયા અને ભાણવડ આ ચોમાસામાં વરસાદની દ્રષ્ટિએ સાવ લગોલગ રહ્યા છે. આ બંને તાલુકામથકે 12.25 ઈંચ વરસાદ નોંધાયો છે. આ બંને પાડોશી તાલુકાઓને કુદરતે વરસાદમાં પણ સરખા રાખ્યા