Mysamachar.in-જામનગર:
વડોદરા અને આણંદ જિલ્લાઓને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડતાં સર્જાયેલી દુર્ઘટનામાં 20નો ભોગ લેવાતાં સમગ્ર રાજ્યમાં બ્રિજ હોટકેક વિષય બની ગયો છે. આ સ્થિતિઓ વચ્ચે, જામનગરના કાલાવડ નાકા બહાર આવેલાં જર્જરીત બ્રિજ અંગે શું આક્ષેપ છે અને મહાનગરપાલિકા એમ બન્ને પક્ષે પ્રતિક્રિયા લેવામાં આવી છે.
ગઈકાલે સોમવારે જામનગરના વોર્ડ નંબર 12 ના કોર્પોરેટરો અસલમ ખિલજી- જેનબબેન ખફી અને ફેમિદાબેન જુણેજા મહાનગર સેવાસદન ખાતે પહોંચ્યા હતાં અને પદાધિકારીઓને કાલાવડ નાકા બહારના જર્જરીત બ્રિજ અંગે આવેદન આપવા પ્રયાસ કર્યો હતો. જો કે, આ સમયે સ્ટેન્ડિંગ ચેરમેન તથા મેયર પોતપોતાની ચેમ્બરમાં હાજર ન હોય, આ વિપક્ષી નગરસેવકોએ પોતાનું આવેદન બંને પદાધિકારીઓની ચેમ્બરના દરવાજે ચોંટાડી દીધું હતું અને પદાધિકારીઓની ગેરહાજરી અંગે રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, વિપક્ષ કચેરીએ આવનાર છે એવી ખબર પડે છે ત્યારે ત્યારે મેયર ભાગી જાય છે.
-વિપક્ષના આવેદનમાં શું કહેવામાં આવ્યું છે ?..
વિપક્ષે પદાધિકારીઓની ચેમ્બરના દરવાજે ચોંટાડેલા આવેદનમાં કહેવાયું છે કે, અમારાં દ્વારા છેલ્લા ચાર ચાર વર્ષથી કાલાવડ નાકા બહારના જર્જરીત બ્રિજ અંગે સતત મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવે છે. જનરલ બોર્ડમાં પણ રજૂઆત થઈ છે. સહી ઝુંબેશ અને આંદોલન પણ કરવામાં આવેલ છે. ત્યારબાદ આજથી 6 મહિના અગાઉ શાસકોએ આ બ્રિજ નવો બનાવવા રૂ. 20 કરોડનો ખર્ચ મંજૂર કર્યો છે.
સામાન્ય સભામાં મંજૂરી અને ટેન્ડર પ્રક્રિયાઓ થઈ એ વાતને પણ 2 મહિના વીતી ગયા છે. શાસકો એક યા બીજા કારણોસર પક્ષપાતી વલણ રાખી, સ્ટેન્ડિંગ કમિટીમાં આ કામને મંજૂરી આપતાં નથી. રાજ્યમાં બ્રિજ દુર્ઘટનાઓ બની રહી હોવા છતાં શાસકોના પેટનું પાણી હલતું નથી. શું શાસકો દુર્ઘટનાની રાહ જોવે છે ? એવો પ્રશ્ન પણ આવેદનમાં પૂછાયો છે અને કહેવાયું છે કે, હાલ બ્રિજમાં નીચે આખેઆખા સળિયા લટકે છે. બ્રિજ સંપૂર્ણ ડેમેજ છે અને હજારો વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે. જો દુર્ઘટના સર્જાશે તો જવાબદારીઓ સતાધારી પક્ષની રહેશે. સ્ટેન્ડિંગ કમિટી તાકીદે આ કામ ચાલુ નહીં કરાવે તો લોકોને સાથે રાખી નાછૂટકે આંદોલન કરવાની ફરજ પડશે, એમ પણ આવેદનમાં જણાવાયું છે.
-સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શું પ્રતિક્રિયા આપી ?..
આ વિષય સંબંધે સ્ટેન્ડિંગ ચેરમેન નિલેષ કગથરાએ આજે સવારે Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે, આ બ્રિજ બાબતે વિપક્ષે લીંબડ જશ ખાટવાથી દૂર રહેવું જોઈએ. અમોએ આ બ્રિજ જનરલ બોર્ડમાં મંજૂર કરેલો જ છે, આ બ્રિજની ફાઈલ મને ગત્ શુક્રવારે મળી છે, જેમાં જરૂરી કવેરી સહિતની બાબતો અંગે યોગ્ય પ્રક્રિયાઓ કરવામાં આવશે. અમને જગાડવાની જરૂર નથી, અમો જાગૃત જ છીએ, આ બ્રિજની ફાઈલ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવી ગઈ હોય હવે જરૂરી કાયદાકીય જોગવાઈ અનુસારની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે ત્યારે કોઈએ લીંબડ જશ ખાટવાનો પ્રયાસ ન કરવો જોઈએ.