Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના બેહ ગામે આજથી આશરે 26 વર્ષ પૂર્વે રાત્રિના સમયે પાડવામાં આવેલી ધાડ તેમજ લૂંટના પ્રકરણમાં ફરાર થઈ ગયેલા મધ્યપ્રદેશ રાજ્યના જાંબુઆ જિલ્લાના આરોપીને એલસીબી પોલીસે અહીંના ભાણવડ માર્ગ પરથી ઝડપી લીધો હતો.
આ સમગ્ર પ્રકરણની એલસીબી દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા – દ્વારકા હાઈવે માર્ગ પર આવેલા બેહ ગામે રહેતા પાલાભાઈ થારીયાભાઈ ગઢવીની વાડીએ રહેણાંક મકાનમાં આજથી આશરે 26 વર્ષ પૂર્વે રાત્રિના સમયે કેટલાક શખ્સોએ લાકડા જેવા હથિયાર સાથે ધાડ પાડી હતી. અહીં રહેલા પરિવારજનોને આરોપીઓએ બેફામ માર મારી, આ સ્થળેથી રોકડ રકમ, સોનાના દાગીના ઉપરાંત બંદુકની લૂંટ ચલાવવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં મધ્ય પ્રદેશ રાજ્યના જાંબુઆ જિલ્લાના સરપંચ ફળિયા ખાતે રહેતા કલજી નાના લાલજી વાખલા નામના શખ્સની સંડોવણી પણ ખુલવા પામી હતી.
છેલ્લા આશરે અઢી દાયકાથી વધુ સમય થયા ફરાર એવા આરોપી કલજી નાના લાલજી આદિવાસીને ઝડપી લેવા માટે અહીંના એસ.પી. નિતેશ પાંડેયની સૂચના મુજબ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ઉપરોક્ત આરોપીને અહીંના ભાણવડ માર્ગ પર આવેલી એક હોટલ પાસેથી દબોચી લઈ અને વધુ તપાસ અર્થે આરોપીનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે.
આરોપી કુખ્યાત ચડ્ડી-બનિયાનધારી ગેંગનો સભ્ય હોય અને તેણે તેના અન્ય સાગરીતો સાથે મળીને ભૂતકાળમાં પણ લૂંટ, ધાડ અને અપહરણ જેવા ગુનાઓને અંજામ આપ્યો હતો. આ વચ્ચે છેલ્લા 26 વર્ષથી નાસતા ફરતા આ આરોપીને ઝડપી લેવા રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ અન્વયે તેના પર રૂ. 10,000 નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ શખ્સ સામે અગાઉ દાહોદ જિલ્લામાં બે તેમજ મધ્ય પ્રદેશ રાજ્યના રતલામ જિલ્લામાં પણ એક ગુનો નોંધાયો છે.