Mysamachar.in:અમદાવાદ:
સોના કીતના સોના હૈ- એવા શબ્દો એક હિન્દી ફિલ્મના ગીતમાં આવે છે. તમે વર્ષ દરમ્યાન અથવા ગમે ત્યારે, કોઈ પણ કારણોસર સોનાની ખરીદી કરો છો, એ સોનું શુદ્ધ છે એવી ખાતરી તમને સોનું વેચાણ કરનાર તરફથી આપવામાં આવતી જ હોય છે, પરંતુ આ ખાતરીની ખરાઈ તમે ઘરે બેઠાં પણ કરી શકો છો. આ માટે તમારે એક ‘સરકારી’ એપ ડાઉનલોડ કરવી પડે- એટલું જ.
સરકારે જાહેરાત કરી છે કે, સોનાચાંદીની દુકાનો કે શોરૂમમાં વેચાણ થતું સોનું અને સોનાના દાગીના 6 આંકડાનો હોલમાર્ક ધરાવતો હોય, એ જરૂરી છે. આ હોલમાર્કની મદદથી તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો. જો તમે ખરીદેલું સોનું આ હોલમાર્ક ધરાવતું નથી તો તમારે એ સોનાની શુદ્ધતા બાબતે માત્ર ‘ભરોસા’ પર જ આધાર રાખવાનો. એ શુદ્ધતા તમે કયાંય ચકાસી શકો નહીં.
ભારતભરમાં BIS એટલે કે Bureau of Indian Standard નામની સંસ્થા સોનાની શુદ્ધતા અંગે પ્રમાણપત્ર આપે છે. અને એ માટે 6 અંકનો યુનિક નંબર ધરાવતો હોલમાર્ક આપે છે. આ BIS એપલ અને ગૂગલ પર એપ ધરાવે છે. BIS Care નામની આ એપમાં તમે હોલમાર્ક લખો એટલે આ એપ તમને તમારાં એ સોના અંગેની શુદ્ધતા સહિતની બધી જ સંબંધિત બાબતોની જાણકારીઓ આપે. જે લોકો હોલમાર્ક ધરાવતું સોનું કે સોનાના દાગીના ખરીદે છે તેમણે આ એપનો ઉપયોગ કરવો જોઈએ એવો સરકારનો અનુરોધ છે.