Mysamachar.in-જામનગર-
જામનગર-હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચૂંટણીઓના વેરઝેરના અસંખ્ય દાખલા જોવા મળતાં રહે છે, મારામારી, હુમલા અને મર્ડરની અનેક ઘટનાઓ બનતી રહે છે. આ પ્રકારનો વધુ એક બનાવ, જામનગર જિલ્લામાં પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. આ મામલો જામજોધપુર તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારનો છે.
જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રવિવારે રાત્રે સાડા નવ આસપાસ એક ફરિયાદ દાખલ થઈ. આ ફરિયાદના બાર કલાક અગાઉ રવિવારે સવારે સાડા નવ આસપાસ હુમલાનો એક બનાવ બનેલો, તે સંબંધે આ ફરિયાદ દાખલ કરાવવામાં આવી. જેમાં હુમલાખોર આરોપીઓ તરીકે 3 સગા ભાઈઓ છે.
વરવાળામાં ખેતીકામ કરતાં અને તાજેતરમાં સરપંચ તરીકે ચૂંટાયેલા રામશીભાઈ મેપાભાઈ બેરા (65)એ પોલીસમાં જાહેર કર્યું છે કે, તેઓ અને તેમના મિત્ર સરમણ રામાભાઈ હુણ રવિવારે સવારે વરવાળા ગામ તરફના જૂના રસ્તા પર, જામજોધપુરથી આશરે 17 કિમી દૂર ધોરીયાનેસ અને ભડાનેસ વચ્ચેના માર્ગ પરથી, મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતાં ત્યારે, અચાનક 3 શખ્સો ધસી આવ્યા અને લાકડીઑ વડે મારાં પર ( એટલે કે ફરિયાદી પર) હુમલો કર્યો.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું કે, ત્રણેય હુમલાખોર સગા ભાઈઓ છે અને ભડાનેસમાં રહે છે. તેમના માતા સરપંચપદની ચૂંટણીમાં મારી સામે ઉમેદવાર હતાં પરંતુ આ ચૂંટણીમાં મારો વિજય થતાં, ચૂંટણીનો ખાર રાખી આ હુમલાખોરોએ મારાં પર હુમલો કર્યો. મને શરીરમાં જુદી જુદી જગ્યાઓ પર ફ્રેક્ચર સહિતની ઈજાઓ કરી. આથી સ્વબચાવમાં મેં મારી પાસે રહેલી પરવાનાવાળી રિવોલ્વરમાંથી ફાયરીંગ કર્યું. પરંતુ હુમલાખોરોએ મારાં આ હથિયારને ઝૂંટવી લઈ લૂંટ પણ ચલાવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હુમલો- ફાયરીંગ અને રિવોલ્વરની લૂંટના આ બનાવે જામજોધપુર પંથકમાં ચકચાર મચાવી છે. ફરિયાદીએ આ મામલામાં આરોપીઓ તરીકે બાલુ દેવા મોરી, પ્રફુલ્લ દેવા મોરી અને દિલા દેવા મોરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવ્યા બાદ પોલીસે આ આરોપીઓ પૈકી પ્રફુલ્લ નામના આરોપીને ફરિયાદ નોંધાયાના દોઢ કલાક બાદ ઝડપી લીધો છે. અને, અન્ય બે આરોપીઓના સગડ મેળવવા પ્રફુલ્લની પૂછપરછ કરવામાં આવી રહી છે.