Mysamachar.in:જામનગર|:
વડોદરા અને આણંદ જિલ્લાઓને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ, રાજ્ય સરકારે તમામ બ્રિજના નિરીક્ષણ માટેની કામગીરીઓ હાથ ધરી છે, જેના ભાગરૂપે જામનગર શહેર અને જિલ્લામાં પણ સ્થાનિક તંત્રો દ્વારા આ કવાયત શરૂ થઈ છે.
જામનગર જિલ્લામાં સંભવિત અકસ્માત કે દુર્ઘટના નિવારવા બ્રિજ નિરીક્ષણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત કલેક્ટર કેતન ઠક્કરએ ધ્રોલ તાલુકાના સોયલ નજીક આવેલાં 2 મેજર બ્રિજનું નિરીક્ષણ કર્યું છે. યોગ્ય કામગીરીઓ અને તપાસ માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી છે. આ તકે ધ્રોલ પ્રાંત અધિકારી સહિતના લગત અધિકારીઓ સાથે રહ્યા હતાં.
આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાએ જામનગર-રાજકોટ રોડ પર ધુંવાવ ગામ નજીકના બ્રિજનું નિરીક્ષણ કર્યું છે અને જાહેર કર્યું છે કે, આ બ્રિજ મજબૂત અને વાહનવ્યવહાર માટે સુરક્ષિત છે. JMC વતી સિટી ઈજનેર ભાવેશ જાનીએ જણાવ્યું છે કે, ભારે વાહનોની સતત અવરજવર અને તાજેતરના ચોમાસા દરમ્યાનના વરસાદને કારણે બ્રિજના અમુક ભાગમાં ડામરનું ધોવાણ થયું છે. આ ધોવાણ માત્ર સપાટી પરનું છે અને બ્રિજના મૂળભુત માળખાને કોઈ નુકસાન થયું નથી.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, ડામરના આ ધોવાણને કારણે પડેલા ખાડાઓ ભરવા તથા આ રસ્તાને ફરીથી સમતલ બનાવવા ટૂંક સમયમાં પેચવર્ક કામગીરીઓ કરવામાં આવશે. નાગરિકોને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે.