Mysamachar.in-અમદાવાદ:
આ સદીની સૌથી ભયાનક અને રહસ્યમય વિમાન દુર્ઘટના તરીકે ચર્ચાઓમાં રહેલી અમદાવાદ વિમાન દુર્ઘટનાએ માત્ર ગુજરાત નહીં સમગ્ર ભારત અને દુનિયાને હચમચાવી દીધી છે. આજે આ કાળમુખી દુર્ઘટનાને બરાબર એક મહિનો થયો ત્યારે, આજે શનિવારે સવારે તપાસનો પ્રાથમિક રિપોર્ટ જાહેર થતાં જ ખળભળાટ મચી ગયો છે કેમ કે, રિપોર્ટમાં જણાવાયા અનુસાર વિમાનના બેમાંથી એકેય એન્જિનને પાયલોટ ચાલુ કરી શક્યા નહીં અને 32 જ સેકન્ડમાં હાહાકાર મચી ગયો. જાહેર થયેલાં રિપોર્ટમાં ઘટનાના કારણ અંગે જવાબ મળવાને બદલે નવો પ્રશ્ન સામે આવ્યો ! જેનો ઉત્તર હાલ કોઈ પાસે નથી. ઘટનાનો સંપૂર્ણ રિપોર્ટ હજુ હવે 12 સપ્ટેમ્બરે આવશે.
અમદાવાદ વિમાન દુર્ઘટના 12મી જૂને બનેલી. આજે 12 જૂલાઈ. આજે સવારે જાહેર થયું કે, ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો. રિપોર્ટ કહે છે: વિમાનના બેમાંથી એકેય એન્જિનને પાયલોટ ચાલુ કરી શક્યા નહીં અને તેને કારણે હવામાં તરતું વિમાન માત્ર 32 સેકન્ડમાં મેડિકલ હોસ્ટેલની છત પર તૂટી પડયું. આ કમભાગી વિમાનના 2 પાયલોટ વચ્ચે કોકપીટમાં થયેલી વાતચીતનું રેકોર્ડિંગ આજે જાહેર થયું. જેમાં એક પાયલોટ બીજાને પૂછે છે: એન્જિન તમે બંધ કર્યા ?! બીજો પાયલોટ કહે છે: મેં બંધ નથી કર્યા ! અને, પાયલોટે એરપોર્ટ પરના કંટ્રોલ ટાવરને મેસેજ કરી દીધો કે, વી આર હેલ્પલેસ ! આ mayday કોલ હતો. આખરી કોલ હતો. પછી કંટ્રોલ ટાવર પાયલોટ સાથે વાતચીત કરી શકે એ પહેલાં જ વિમાન ધડામ અને 275 જિંદગીઓ આગ અને વિસ્ફોટમાં સ્વાહા !! જેમાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ તથા જમીન પર જ્યાં વિમાન પડ્યું ત્યાં રહેલાં કમભાગીઓનો સમાવેશ થાય છે.
આજની તારીખે એક મહિના પછી પણ જ્યાં વિમાન તૂટી પડેલું એ મેડિકલ હોસ્ટેલ મેસનો વિસ્તાર કોર્ડન કરીને રાખવામાં આવ્યો છે. આજે જાહેર થયેલા રિપોર્ટને કારણે એ પ્રશ્ન સામે આવ્યો કે, વિમાનની ઈંધણ વ્યવસ્થાઓ બરાબર હતી છતાં બેમાંથી એકેય એન્જિન ચાલુ કરવામાં પાયલોટને સફળતા ન મળી ! શાથી ? બંને પાયલોટ અનુભવી હતાં, છતાં લાચાર શા માટે બની ગયા ?! બેમાંથી એક એન્જિન ઈમરજન્સી તરીકે ચાલુ થઈ શક્યું હોત તો, આ દુર્ઘટના થઈ જ ન હોત. પણ, બંને એન્જિન એકસાથે fail કેમ થયા ? એ રહસ્યનો જવાબ આખરી રિપોર્ટમાં બે મહિના બાદ મળશે ? કે, આ જવાબ કયારેય નહીં મળે ? વિમાનને fail કરવાનું કોઈ માનવસર્જિત કાવતરૂં હતું કે કેમ, એ દિશામાં પણ તપાસ ચાલુ છે. ઉડ્ડયન મંત્રી અગાઉ પણ આ વાત કહી ચૂક્યા છે કે, ભાંગફોડ સહિતની બધી જ દિશામાં તપાસ ચાલુ છે. જો કે એક સમયે આ ઘટનાને ઉતાવળે માત્ર અકસ્માત પણ જાહેર કરી દેવામાં આવેલી, કોઈ જ તપાસ પહેલાં જ ! હવે, 12મી સપ્ટેમ્બરે આવનારા આખરી રિપોર્ટમાં કશું બહાર આવી શકશે ?! આ પ્રશ્નનો ઉત્તર કયારેય મળશે ? જાહેર થશે ? વગેરે સવાલો અત્યારે સપાટી પર આવ્યા !!