Mysamachar.in-જામનગર:
જામનગર-દ્વારકા-ઓખા વચ્ચેના દરિયામાં, દરિયાની છાતી પર ક્રૂઝ સડસડાટ દોડશે અને તમે એ ક્રૂઝની અંદર બેસી દરિયાઈ મુસાફરી કરી શકશો. ક્રૂઝની અંદર તમે મનોરંજન પણ માણી શકશો- ગુજરાત મેરીટાઈમ બોર્ડ આગામી સમયમાં આ સુવિધા શરૂ કરશે. આ માટેની કેટલીક બાબતો હાલ નક્કી થઈ ગઈ છે.
સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયામાં ઉપરોકત રૂટ ઉપરાંત અન્ય 2 રૂટ પર પણ ક્રૂઝ શરૂ કરવા તૈયારીઓ ચાલી રહી છે. GMBએ આ ક્રૂઝ ટુરિઝમ ડેવલપ કરવા આયોજન વિચારી લીધું છે. ઉપરોકત રૂટ ઉપરાંત પડાલા ટાપુથી કચ્છના રણ સુધી અને પોરબંદરથી દીવ સુધી, વાયા વેરાવળ-સોમનાથ રૂટ પરના દરિયામાં આ ક્રૂઝ દોડશે. લોકો દરિયાઈ પ્રવાસનો આનંદ માણી શકશે.
ગાંધીનગરમાં GMBનો એક દિવસીય વર્કશોપ હતો જેમાં આ વ્યૂહ અને તેની રૂપરેખા રજૂ થઈ. આ યોજનામાં ધાર્મિક ઉપરાંત કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળો વગેરેને આવરી લેવામાં આવશે. આ પ્રકારની ક્રૂઝ સુવિધાઓ ધરાવનારૂં ગુજરાત ભારત મિશનનું પ્રથમ રાજ્ય બનશે.
ગુજરાત મેરીટાઈમ બોર્ડના CEO રાજકુમાર બેનિવાલે કહ્યું: આ માટે રાજ્યમાં ક્રૂઝ ટર્મિનલ બનાવવામાં આવશે. નર્મદા જેવી વ્યૂહાત્મક નદીઓને પણ રાષ્ટ્રીય ક્રૂઝ એજન્ડામાં આવરી લેવામાં આવશે. નિષ્ણાંતો અને ઉદ્યોગપતિઓ સાથે પણ પરામર્શ ચાલી રહ્યો છે. ક્રૂઝની અંદર પણ મુસાફરોને મનોરંજન અને આકર્ષણ મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે, આથી ટુરિઝમ ડેવલપ થશે, વૈશ્વિક પ્રવાસીઓને પણ આકર્ષી શકાશે.(symbolic image source:google)