Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના ધ્રોલમાં 32 વર્ષની એક યુવતિએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી, બાદમાં આ મામલો પોલીસમાં પહોંચતા મૃતકનો એક યુવાન સાથેનો પ્રેમ સંબંધ અને અન્ય 2 મહિલાઓની આમાં સંડોવણી હોવાનું ફરિયાદમાં જાહેર થતાં- ધ્રોલ શહેરમાં ચકચાર મચી છે.
આ ચકચારી મામલાની પોલીસમાં થયેલી નોંધ મુજબ..ધ્રોલના ચામુંડા પ્લોટમાં રહેતાં 58 વર્ષના લક્ષ્મીબેન ટાભાભાઈ વાઘેલાએ પોલીસમાં ગત્ રાત્રે જાહેર કર્યું કે, પોતાની 32 વર્ષની દીકરી મધુબેને આપઘાત કરી લીધો છે. અને, આ આપઘાત પાછળ એક યુવાન અને બે યુવતિઓ જવાબદાર છે. આ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.
આ યુવતિના આપઘાતનો બનાવ ગત્ રોજ રવિવારે સાંજે 06-30 આસપાસ બન્યો. મધુ નામની આ યુવતિએ પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ લીધો હતો. જે અંગે મૃતકના ફરિયાદી માતાએ પોલીસમાં કહ્યું કે, મારી દીકરી મધુ ટાભાભાઈ વાઘેલાને જામનગર તાલુકાના જીવાપર ગામના મિલન કંટારિયા સાથે પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે લગ્ન બાબતે વાત પણ થયેલી. જો કે બાદમાં મિલન અને મધુના લગ્ન થયા ન હતાં.
તે દરમ્યાન મિલન નામના આ શખ્સે ધ્રોલની રેખા રમેશ ચાવડા અને કંકુ દેવજી ચાવડા મારફતે મૃતક મધુબેનને કહેણ મોકલ્યું કે, ‘ મિલને કહ્યું છે કે, હવે મારે તેની એટલે કે મધુની સાથે લગ્ન કરવા નથી. તેને મરી જાવું હોય તો પણ છૂટ છે. ‘ આ ઉપરાંત આ બંને યુવતિએ મધુને એમ કહેલું કે, તું અત્યાર સુધી શા માટે જિવે છે ? મરી કેમ નથી જતી ? મિલને તારી સાથે લગ્ન કરવાની ના પાડી છે અને અમે પણ તારૂં ‘મિલન’ મિલન સાથે થવા દઈશું નહીં. અને અમારાં વિરુદ્ધ કોઈ ફરિયાદ કે અરજી કરીશ તો અમે તને જિવવા દઈશું નહીં. એમ કહી, મારી નાંખવાની ધમકી આપી અને મારી દીકરીને મરવા મજબૂર કરી- આટલી વિગતો મૃતક મધુના માતાએ પોલીસમાં લખાવી છે.
પોલીસે મિલન ઉપરાંત રેખા અને કંકુ નામની યુવતિઓ વિરુદ્ધ આ ફરિયાદ દાખલ કરતાં ધ્રોલમાં ચકચાર જાગી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ બંને યુવતિઓ પણ મૃતકના ઘર આસપાસના જ વિસ્તારમાં રહે છે. ચામુંડા પ્લોટ નામના આ વિસ્તારમાં, આ ફરિયાદથી ભારે ચકચાર છે.