Mysamachar.in-જામનગર:
રિલાયન્સ જિયોના કરોડો યુઝર્સ રવિવારની રાત્રિના 08:10 વાગ્યાથી પરેશાન છે, નેટવર્ક સહિતના ટેક્નિકલ ધાંધિયાને કારણે યુઝર્સ જિયોની સેવાઓ મેળવી શકતા નથી. પાછલી ચૌદ કલાકથી આ પરેશાનીઓ અનુભવવા મળી રહી છે. જો કે આમ છતાં કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ગત્ રાત્રે 08:10 વાગ્યાથી જિયોમાં આ સમસ્યાઓ શરૂ થઈ છે. એક મહિનામાં આ ત્રીજો બ્લેકઆઉટ છે. આ અગાઉ 16 જૂને કેરળમાં, 29 જૂને ગુજરાતમાં અને હાલ દેશભરમાં જિયો નેટવર્કમાં બ્લેકઆઉટ છે. આશરે 81 ટકા યુઝર્સ સિગ્નલ ન મળતા હોવાની ફરિયાદ કરે છે. 13 ટકાને ઈન્ટરનેટની ફરિયાદ છે અને 6 ટકા લોકોને મોબાઇલ ફોન સંબંધિત સમસ્યાઓ છે. જો કે કંપનીએ હજુ સુધી આ બાબતે કોઈ જ સ્પષ્ટતાઓ કરી નથી, બીજી તરફ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ટિપ્પણીઓ અને મીમનો ધોધ વહી રહ્યો છે. દિલ્હી, મુંબઈ, બેંગલોર, ચેન્નાઈ અને ગુજરાત સહિત દેશભરમાં ફરિયાદો ઉઠી રહી છે.