Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જિલ્લામાં આજે સોમવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમ્યાન અડધાથી અઢી ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જામનગર શહેરમાં જો કે અડધો ઈંચ જ વરસાદ નોંધાયો છે. આ 24 કલાક દરમ્યાન શહેરમાં રવિવારે બપોરે 4 થી 6 દરમ્યાન અને ગત્ રાત્રે 2 થી 4 દરમ્યાન વરસેલા ઝરમર ઝાપટાથી કુલ અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
પાછલા 24 કલાક દરમ્યાન જામનગર શહેર ઉપરાંત જોડિયા અને લાલપુર તાલુકામથકે દોઢ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જો કે લાલપુરના ગ્રામ્ય વિસ્તારમાં અઢી ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ધ્રોલ તાલુકામથકે અડધો ઈંચ અને કાલાવડમાં ઝરમર વરસાદ થયો.
આ સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો પૈકી લાલપુર તાલુકાના હરિપર ખાતે સૌથી વધુ અઢી ઈંચ વરસાદ થયો. મોટા ખડબામાં દોઢ ઇંચ અને કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડામાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે મોટી બાણુગાર, બાલંભા, પીઠડ, લતીપુર, ખરેડી તથા પીપરટોડામાં એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો. બાકીના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ રહ્યો છે.
જીલ્લાના 6 તાલુકામથક પૈકી સૌથી ઓછો વરસાદ જામનગર શહેર અને ધ્રોલમાં છે, આ 2 તાલુકામથકે આ સિઝનમાં માત્ર 9 અને 9.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જેને કારણે હજુ પણ આ બે તાલુકામથકે વાતાવરણમાં ટાઢકનો અહેસાસ થતો નથી.