Mysamachar.in- જામનગર:
ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ પોતાના હસ્તકની સરકારી શાળાઓ માટે થોડા થોડા સમયે જાતજાતના ઉત્સવો, કાર્યક્રમો અને નવા નિયમો માટેના ફતવા બહાર પાડે છે પરંતુ શિક્ષણને મજબૂતી અને ગુણવત્તા બક્ષવાની બાબતમાં આ વિભાગ ‘કેરલેસ’ સાબિત થતો રહે છે. આજે પણ આ ‘કેરલેસ’ વિભાગ ‘બેગલેસ ડે’ ઉજવી રહ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગે તાજેતરમાં જાહેર કરેલું કે, પાંચમી જૂલાઈ શનિવારથી રાજ્યમાં તમામ પ્રાથમિક સરકારી શાળાઓમાં બાળકો માટે આનંદદાયક ‘બેગલેસ ડે’ ઉજવણીનો પ્રારંભ થશે. આજે આ ઉજવણીનો પ્રથમ શનિવાર છે.
સરકારનો કોઈ પણ વિભાગ કોઈ પણ જરૂરી નિર્ણય લ્યે કે આવશ્યક અને સર્જનાત્મક ઉત્સવની ઉજવણી કરે તેની સામે કોઈને પણ કોઈ પણ પ્રકારનો વાંધો હોય જ ન શકે. પરંતુ દરેક વિભાગમાં લોકોના વિશાળ હિત કે હિતોની જાળવણી માટે, જેતે વિભાગમાં સરકારે મુળભુત ફરજો નિભાવવી પડે. કર્મચારીઓ અને અધિકારીઓની ખાલી જગ્યાઓ ભરવી જોઈએ. આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવું પડે, વિભાગને ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવો પડે- તો ઉત્સવો અને કાર્યક્રમોની ઉજવણી સાર્થક થઈ શકે અને વિભાગ મશ્કરીને પાત્ર ઠરવામાંથી બચી શકે.
“બેગલેસ ડે” ની ઉજવણી વચ્ચે શાળાઓની વાસ્તવિક સ્થિતિઓ..’
જામનગર જિલ્લામાં કુલ સરકારી પ્રાથમિક શાળાઓ 663 છે. આ શાળાઓમાં કુલ 859 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જે પૈકી સરકારે 315 જગ્યાઓ પર શિક્ષકોને બદલે જ્ઞાન સહાયકોને ગોઠવી દીધા છે અને એ રીતે ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. જો કે બાકીની 544 જગ્યાઓ તો ખાલી જ છે. જિલ્લામાં 83 શાળાઓ એવી છે જ્યાં રમતગમત માટેના મેદાન જ નથી, અહીં શારીરિક શિક્ષણ સંબંધિત પ્રવૃત્તિઓથી બાળકો વંચિત રહે અને સંગીત તથા પી.ટી.ટીચર સંબંધમાં એવું છે કે, છેલ્લા 16-16 વર્ષથી આ શિક્ષકોની તો ભરતીઓ જ નથી થઈ. કેરલેસ વિભાગ બેગલેસ ડે ઉજવે ત્યારે, હાસ્યાસ્પદ સ્થિતિઓ જોવા મળતી હોય છે. જે અત્યારે અને આજે જોવા મળી રહી છે. આ માત્ર એકાદ બે જિલ્લાઓ પૂરતી જ વાત નથી, સમગ્ર રાજ્યમાં સરકારી શિક્ષણ વિભાગની સ્થિતિઓ આવી છે !(presentation image)