Mysamachar.in-જામનગર:
જામનગર સહિતની રાજ્યની 6 મહાનગરપાલિકાઓ અને તાજેતરમાં જે નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવામાં આવી છે એ તમામ શહેરોના તમામ વોર્ડમાં નવેસરથી સીમાંકન લાગુ પડી શકે છે. આ માટેની ગતિવિધિઓ ગાંધીનગર કક્ષાએ શરૂ થઈ ગઈ હોવાનું સૂત્ર જણાવે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં મહાનગરપાલિકાઓમાં OBC સમાજ માટે 10 ટકા અનામત બેઠકોનો શિરસ્તો છે. આગામી ચૂંટણીઓમાં આ સમાજો માટે 27 ટકા બેઠકો એટલે કે હાલની સરખામણીએ 2.7 ગણી વધુ બેઠક અનામત રાખવી પડશે, જેને કારણે બિનઓબીસી વર્ગની આટલી બેઠકો કપાઈ જશે. આ કારણથી ઘણાં વર્તમાન નગરસેવકોની ટિકિટ આગામી ચૂંટણીઓમાં કપાઈ જશે.
જામનગર સહિતના કેટલાંક શહેરોમાં વોર્ડની સંખ્યામાં ઉમેરો પણ થઈ શકે છે. જો કે વોર્ડનું નવું સીમાંકન તો આ સ્થિતિમાં કરવું પડે. સૂત્ર કહે છે, આ મહાનગરોમાં શક્ય છે કે, આગામી ચૂંટણીઓ પહેલાં આ નવું સીમાંકન કરવાની કામગીરીઓ ટૂંક સમયમાં શરૂ થઈ જાય. આમ થતાં હાલની ઉમેદવારોની અનામત કેટેગરીના રોટેશનમાં પણ નોંધપાત્ર ફેરફારો આવી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વોર્ડ સીમાંકનનો મુદ્દો દસ વર્ષ દરમ્યાન જાહેરમાં આવ્યો નથી, તે દરમ્યાન શહેરોનો વિસ્તાર ઘણો વધી ગયો છે.