Mysamachar.in- જામનગર:
જામનગર મહાનગરપાલિકા ધન્યવાદને પાત્ર એટલા માટે છે કેમ કે, વરસાદ વરસવાના દિવસોમાં એટલે કે ભરચોમાસામાં પણ બાંધકામ ચાલુ રહે એ રીતે પ્રોજેક્ટનું પ્લાનિંગ કરી દેખાડવાની અદભુત ક્ષમતા આ મહાનગરપાલિકા ધરાવે છે. સામાન્ય માણસની સમજ એવી હોય છે કે, વરસાદ સિવાયના દિવસોમાં એટલે કે ઓક્ટોબર નવેમ્બર બાદ અને મે મહિના અગાઉ કોઈ પણ પ્રકારનું બાંધકામ હાથ ધરવામાં આવે તો, ચાલુ બાંધકામમાં કોઈ તકલીફ ન પડે, બાંધકામ મટીરીયલ્સનો વ્યય ન થાય અને ઝડપથી કામ પૂર્ણ કરી શકાય. પરંતુ મહાનગરપાલિકાને પોતાના પ્રોજેક્ટનું પ્લાનિંગ કરદાતાઓની તિજોરીમાંથી કરવાનું હોય છે, આથી મહાનગરપાલિકા કોઈ પણ કામ કોઈ પણ સમયે, ભરચોમાસામાં પણ કરે ! એમને પૂછનાર કોણ ?
જામનગરના તળાવમાં જે કેનાલ મારફતે વધારાનું વરસાદી પાણી ઠાલવી અને પાણીનો સંગ્રહ કરી શકાય એ કેનાલનું કામ ચોમાસા અગાઉ પૂર્ણ કરી લેવાને બદલે, મહાનગરપાલિકાએ આ કેનાલનું કામ એવા સમયે શરૂ કર્યું કે, ભરચોમાસે પણ કામ પૂર્ણ ન થયું હોય, અધૂરૂં જ હોય ! આ ઈજનેરી કૌશલ્ય અને પ્લાનિંગ પાવર પ્રશંસાને પાત્ર છે.
શહેરના નહેરના કાંઠા વિસ્તારમાં મહાનગરપાલિકા આ કામ ભરચોમાસે કરી રહી છે. અને, ઉઘાડની આશા રાખી રહી છે. કામ માટે વરસાદ બંધ થવાની રાહ જોવાની હોય કે કામ ચોમાસા અગાઉ આટોપી લેવાનું હોય- એ સંબંધે મહાનગરપાલિકાએ કોઈ જ ચિંતન કર્યું નથી અને તેથી ધમધોકાર ચોમાસુ ચાલી રહ્યું છે છતાં કેનાલનું કામ અધૂરૂં છે !
-પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના નાયબ ઈજનેર કહે છે કે…..
કેનાલના આ કામ અંગે Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં નાયબ ઈજનેર રાજીવ જાની જણાવે છે કે, કેનાલના તળિયાનું કામ પૂર્ણ થઈ ગયું છે. ઉપરનો સ્લેબ જ બાકી છે. અને વરસાદ રહી જશે ત્યારે આ સ્લેબની કામગીરીઓ આટોપી લેવામાં આવશે.!!
પરંતુ અત્રે ઉલ્લેખનિય છે કે, કેનાલના સ્થળ પરના ફોટોગ્રાફસ સ્પષ્ટ કરે છે કે કેનાલનું માત્ર તળિયાનું જ કામ થયું છે અને એ દરમ્યાન પણ શહેરમાં હળવો વરસાદ રોજ ચાલુ જ રહ્યો છે. કેનાલની દીવાલોનું કામ પણ હજુ બાકી છે, દીવાલો બનાવવા માટેના લોખંડના હાડપિંજર તસવીરોમાં સૌ કોઈ જોઈ શકે એમ દેખાઈ રહ્યા છે.હવે સત્ય શું તે લોકો સમજુ છે સમજી જશે.