Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં થોડા દિવસ અગાઉ પોલીસનો ખુદનો લાંચકાંડ ગાજયો હતો, અને જામનગર પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો, જેમાં અગાઉ એક પોલીસકર્મીની ધરપકડ બાદ ACBએ એક PSI અને એક રાઈટરને પણ ઝડપી લઈ અદાલત સમક્ષ રજૂ કરતાં અદાલતે આ બંનેના આવતીકાલ શનિવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ ચકચારી પ્રકરણની અત્યાર સુધીની જાહેર થયેલી વિગતો એવી છે કે, શહેરની ઉદ્યોગનગર પોલીસ દ્વારા એક ચીટીંગની અરજી માટે ‘હેરાન’ ન કરવાના બદલામાં રૂ. 1 લાખની લાંચનો ત્રાગડો રચાયો હતો અને તેમાં જેતે સમયે લાંચ રૂશવત વિરોધી શાખાએ જામનગર SOGના પોલીસકર્મી રવિ શર્માને લાંચના નાણાં મેળવવા સંબંધે ઝડપી લીધો હતો. આ મામલામાં PSI આર.ડી. ગોહિલ અને રાઈટર ધમ મોરીના નામો પણ સામે આવ્યા હતાં.
ત્યારબાદ આ પ્રકરણમાં લાંચકાંડના આ આરોપી પોલીસકર્મીઓની આગોતરા જામીન અરજી નામંજૂર થઈ. અને તે પછી ACBએ આ PSI અને રાઈટરની ધરપકડ કરી લીધી છે. જૂન મહિનાના પ્રથમ પખવાડિયાના આ બનાવ બાદ અત્યાર સુધી PSI અને આ રાઈટર ફરાર હતાં. અત્યાર સુધી તેઓ બંને ક્યાં હતાં.? અને કોણે કોણે તેમને આશરો આપેલો.? તથા આ કાંડમાં બંનેની શું ભૂમિકાઓ હતી- વગેરે બાબતોની પૂછપરછ માટે ACBએ રિમાન્ડની માંગણી સાથે બંનેને સ્થાનિક અદાલતમાં રજૂ કરતાં અદાલતે સરકારી વકીલ જમન ભંડેરીની દલીલોને ધ્યાને લઇ બંનેના આવતીકાલ 5 જૂલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું ACB સૂત્રોમાંથી જાણવા મળે છે.