Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યના શિક્ષણવિભાગે પોતાનું નવું ‘ગણિત’ જાહેર કરી દીધું છે. આ ગણિતની ફોર્મ્યુલા એવી છે કે, જે શાળા બોર્ડ પરીક્ષાઓ સંદર્ભે ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’ એટલે કે ઉત્કૃષ્ટ શાળાઓ તરીકે જાહેર થઈ જાય, તે ખાનગી શાળાઓને ગમે તેટલી ફી વસૂલવાની છૂટ હોવી જોઈએ. આ ગણિતને પ્રેક્ટિકલ એટલે કે વ્યવહારૂ બનાવવા જો કાયદામાં ફેરફાર કરવો પડે તો, એ માટે પણ સરકાર તૈયાર છે અને આ બાબતે કોઈને કાંઈ વાંધો છે- તેમ પણ સરકારે સૌને જાહેરમાં પૂછી લીધું છે.
આ સમગ્ર વિષય એવો છે કે, રાજ્યના શિક્ષણ વિભાગે ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’ ના નામે કેટલીક ખાનગી શાળાઓને બેફામ ફી વસૂલી શકવાનો વિકલ્પ ઉપલબ્ધ કરવાની હિલચાલ શરૂ કરી દીધી. આ માટે ધ ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સ (રેગ્યુલેશન ઓફ ફીસ)-2017 (FRC)માંથી આવી શાળાઓને મુક્તિ આપવામાં આવશે. આ સુધારા માટેનો ડ્રાફ્ટ સરકારે પબ્લિક ડોમિનમાં મૂકી દીધો છે અને કોઈ પણ વ્યક્તિ આ સંબંધે વાંધાસૂચન આપવા ઈચ્છતી હોય તો એ વાંધાસૂચન ઓનલાઈન આપી શકાશે. વાંધાસૂચન આપવાની અંતિમ તારીખ 11 જૂલાઈ છે.
-સ્કૂલ ઓફ એક્સેલન્સની પસંદગી પ્રક્રિયાઓ કેવી હશે ?..
જે શાળાઓ પોતાને સ્કૂલ ઓફ એક્સેલન્સ ગણાવવા ઈચ્છતી હોય તેણે આ માટેની રાજ્યની સ્ક્રૂટિની કમિટી અને empowered કમિટી સમક્ષ જવાનું રહેશે. અહીં અરજીઓ સ્વીકારવામાં આવશે. ફી સહિતની બાબતોનું મોનિટરીંગ થશે. શાળાઓએ પાંચ વર્ષ માટેની વિકાસયોજના આપવાની રહેશે. તે દરમ્યાનના ફી માળખાની વિગતો આપવાની રહેશે.
સરકારની ફિલોસોફી એ છે કે, રાજયની એક ટકો ખાનગી શાળાઓને સ્વાયત્તતા આપવામાં આવે તો, આ શાળાઓ શિક્ષણને ઉચ્ચ કક્ષાએ લઈ જવાના પ્રયત્નો કરી શકશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ 1 ટકા શાળાઓને FRC ખૂંચે છે અને આવી શાળાઓ ઉંચી ફી મંજૂર કરાવવામાં સફળ પણ રહે છે.
-સ્કૂલ ઓફ એક્સેલન્સ માટેના માપદંડ શું હોય છે ?..
શાળાઓનું બોર્ડ પરીક્ષાઓનું પરિણામ 99-100 ટકા હોવું જોઈએ. બોર્ડ પરીક્ષાઓમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી 60 હોવી જોઈએ. ધો. 10 ના તમામ વિદ્યાર્થીઓનું પરિણામ સરેરાશ 80 ટકા કે તેથી વધુ હોવું જોઈએ. ધો. 12ના તમામ વિદ્યાર્થીઓનું સરેરાશ પરિણામ 75 ટકા કે તેથી વધુ હોવું જોઈએ.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ કેટલીક ખાનગી શાળાઓએ એ પ્રયાસ કર્યો હતો કે, ફી ના વર્તમાન નિયત સ્લેબમાં સરકાર વધારો કરી આપે. પરંતુ જો એમ કરવામાં આવે તો સરકાર વિરુદ્ધ ઉહાપોહ થઈ શકે. આથી આ કમિટીની એક જ બેઠક થઈ. પછી એ ફાઇલ અભેરાઈ પર મૂકી દેવામાં આવી. ત્યારબાદ, આ સ્કૂલ ઓફ એક્સેલન્સ અને કાયદામાં સુધારા માટેની ગતિવિધિઓ શરૂ થઈ- મનવાંછિત ફી વસૂલવા, આ નવી ‘બારી’ ખૂલશે ?! એવો પ્રશ્ન જાણકારો પૂછી રહ્યા છે.