Mysamachar.in-જામનગર:
જામનગરની મધ્યમાં આવેલો શહેરનો એકમાત્ર ટાઉનહોલ અત્યાર સુધીમાં કરોડો રૂપિયા કરદાતાઓની તિજોરીમાંથી ઉસેડી ચૂક્યો છે અને સોળે શણગાર કરવામાં વ્યસ્ત રહ્યો છે. થોડા મહિનાઓ અગાઉ વધુ એક વખત અહીં કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો અને હવે મહાનગરપાલિકાએ વધુ રૂ. 67 લાખનો ખર્ચ કરવાની તૈયારીઓ કરી લીધી છે.
જામનગર મહાનગરપાલિકાએ ગઈકાલે બીજી જૂલાઈએ 2 ટેન્ડર ઓનલાઈન જાહેર કર્યા. જે પૈકી એક ટેન્ડર એવું છે જે બીજી વખત જાહેર કરવું પડ્યું છે. આ ટેન્ડરના પ્રથમ વખતના પ્રયત્નમાં એક જ પાર્ટી અથવા તો કોઈએ રસ ના દાખવતા બીજો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું જાણકારો કહે છે.
મહાનગરપાલિકાએ જાહેર કરેલાં આ 2 ટેન્ડર પૈકી એક ટેન્ડર રૂ. 39.20 લાખનું છે. આ ટેન્ડરમાં કહેવાયું છે કે, જે પાર્ટીઓ ટાઉનહોલ ખાતે 3 વર્ષ સુધી ઈલેક્ટ્રીક સાધનો, લિફ્ટ, લાઈટીંગ સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમ, કોમ્યુનિકેશન, સ્ટ્રીટલાઈટ, કંટ્રોલ પેનલ, LED સ્ક્રીન, CCTV કેમેરા, એ.સી. પ્રોજેક્ટર સહિતના કેબલિંગ સહિતના કામો માટેનું ઓપરેશન અને મેન્ટેનન્સનું કામ સંભાળવા ઈચ્છા ધરાવતી હોય તે પાર્ટીઓ મહાનગરપાલિકાનું આ ટેન્ડર ભરી શકે છે. જો કે આ કામ માટેના અનુભવ કે લાયકાતનો આ ટેન્ડરમાં ઉલ્લેખ નથી. અને આ બીજો પ્રયત્ન છે, એમ લખવામાં આવ્યું છે.
આ ઉપરાંત અન્ય એક ટેન્ડર જનરેટર માટેનું છે. જે રૂ. 27.80 લાખનું છે. જેમાં કહેવાયું છે કે, ટાઉનહોલ ખાતે 320 kVAનો સાયલન્ટ DG સેટ કાર્યરત કરવાનો હોય તેની સપ્લાય, ઈરેકશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ પાર્ટીએ કરવાનું રહેશે. આ બંને ટેન્ડરની વધુ વિગતો મહાનગરપાલિકાએ વેબસાઈટ પર મૂકી હોવાનું ટેન્ડરમાં દર્શાવાયું છે. આમ, આ બંને ટેન્ડરની કુલ રકમ રૂ. 67 લાખ જાહેર થઈ છે.