Mysamachar.in-જામનગર:
જામનગર ખાતે આવેલી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી પોતાની કામગીરીઓનું રેકર્ડ ઉભું કરવા માટે, પોલીસ સહિતના સરકારી વિભાગો માફક છૂટક ત્રૂટક કામગીરીઓ કરે છે પરંતુ આ કામગીરીઓની સ્પષ્ટ અને સંપૂર્ણ વિગતો ‘જાહેર’ કરવામાં ખચકાટ અનુભવી રહી હોય, કસૂરવારો પ્રત્યે આ કચેરી કૂણું વલણ અખત્યાર કરી રહી હોય તેમ દેખાઈ રહ્યું છે.
આજે બુધવારે સવારે, Mysamachar.in દ્વારા જામનગરમાં આવેલી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીના વડા જી.બી.ભટ્ટનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો, જેમાં તેમણે પોતાની કચેરીની છૂટક કામગીરીઓની અધૂરી વિગતો જ જાહેર કરી છે. જેને પરિણામે આ સરકારી કચેરી પણ, અન્ય સરકારી કચેરીઓ માફક પોતાના કામો જાહેર કરવા કરતાં છૂપાવવામાં વધુ રસ ધરાવતી હોવાનું જણાઈ રહ્યું છે.
આ કચેરીએ જણાવ્યું છે કે, ઉદ્યોગો દ્વારા નદીના પાણીને તથા વરસાદી પાણીને, ઉદ્યોગના ઝેરી અને જોખમી પાણી દ્વારા પ્રદૂષિત કરવામાં આવે છે. આ સંબંધે ગત્ સોમવારે જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગર તથા દરેડ ઉદ્યોગનગરના કુલ 3 એકમોની વિઝિટ કરવામાં આવી હતી અને ઔદ્યોગિક પાણીનો અયોગ્ય નિકાલ કરવા બાબતે આ 3 યુનિટને નોટિસ આપવામાં આવી છે અને તે અંગે વડી કચેરીને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. હવે વડી કચેરીની સૂચનાઓ મુજબ આ એકમો વિરુદ્ધ કાર્યવાહીઓ કરવામાં આવશે.
જો કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આ કચેરી કસૂરવાર ઉદ્યોગોની પ્રતિષ્ઠાની જાણે કે ચિંતાઓ કરતી હોય તેમ, કચેરીએ આ 3 ઉદ્યોગના નામો જાહેર કરવાનું ટાળી માત્ર એટલું જ જાહેર કર્યું છે કે, આ 3 યુનિટ પૈકી એક યુનિટ ‘જાણીતું’ છે. કચેરી કસૂરવારોને છાવરી રહી હોય- આ સમગ્ર મામલો આપોઆપ શંકાના સ્કેનર હેઠળ જતો રહ્યો છે. જો કચેરી કસૂરવારોના નામો જાહેર ન કરે તો, એ કચેરી વડી કચેરીએ આ કસૂરવારો વિરુદ્ધ ‘આકરો’ રિપોર્ટ મોકલે કે, હળવો રિપોર્ટ કરી, કસૂરવારને બચાવી લ્યે ? એ સવાલ કચેરીના વલણને કારણે સપાટી પર આવી ગયો.(presentation image)