Mysamachar.in-જામનગર:
જામનગર શહેર તથા જિલ્લાની 1,000થી વધુ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં હવે બાળકોને વર્ષના કુલ 12 શનિવારે ‘મોજ’ થઈ જશે. સરકારે આ દિવસો ‘બેગલેસ’ જાહેર કર્યા હોય, વિદ્યાર્થીઓએ આ દિવસે શાળાએ દફતર સાથે લીધાં વિના જ જવાનું અને ભણવાનું નહીં પણ જોયફૂલ એટલે કે આનંદદાયક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો.
GCERT ગાંધીનગર દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. અને આ સંબંધે જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ આજે સવારે Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીત દરમ્યાન જણાવ્યું છે કે, આજે જામનગર જિલ્લામાં આ પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે અને આગામી શનિવારથી તમામ પ્રાથમિક શાળાઓએ પરિપત્રનો અમલ કરાવવાનો રહેશે.
-GCERTના આ પરિપત્રમાં શું શું કહેવાયું છે ?….
આ પરિપત્રમાં જણાવાયું છે કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર, વર્ષ દરમ્યાન 10 બેગલેસ સેટરડે ઉજવવાના રહેશે. આ 10 શનિવાર આનંદદાયક શનિવાર તરીકે ઉજવવામાં આવશે. જો કે જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ સ્પષ્ટતા કરી છે કે, આપણે ત્યાં ગુજરાતમાં ટેન બેગલેસ ડે ના બદલે વર્ષ દરમ્યાન અનુકૂળતા અનુસાર કુલ 12 શનિવાર આ રીતે ઉજવવાના રહેશે.
-આ 12 આનંદદાયક શનિવારે શી પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે ?…
બેગલેસ શનિવારે વિદ્યાર્થીઓને આનંદદાયક પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે.
માસ ડ્રિલ: સામૂહિક શારીરિક કસરતો કે જેથી બાળકમાં સ્ફૂર્તિ, સહયોગ અને સમૂહભાવનાનો વિકાસ થઈ શકે.
યોગ: તણાવ ઘટાડવા તથા શારીરિક લવચીકતા વધારવા સરળ યોગાસન કરાવવાના રહેશે.
બાલસભા(સાંસ્કૃતિક કાર્યક્રમો): જેનાથી બાળકો વિવિધ કળાઓ સાથે જોડાશે, બાળકમાં સર્જનાત્મકતાનો વિકાસ થઈ શકે.
શૈક્ષણિક રમતો: ગણિત, વિજ્ઞાન અને ભાષા સંબંધિત શૈક્ષણિક રમતો બાળકોને રમાડવાની રહેશે. જેમાં મનોરંજન, જ્ઞાન અને શીખવાની પ્રક્રિયાઓ આગળ વધી શકે.
પ્રોજેક્ટ્સ: વ્યક્તિગત અને જૂથમાં બાળકો દ્વારા વિવિધ વિષયો સંબંધિત પ્રોજેક્ટ બનાવવાથી સમસ્યા હલ કરવાની ક્ષમતા, સહયોગ અને સંશોધન કરવાની ક્ષમતા વધી શકે છે.
ચિત્રકામ: ચિત્રકામ બાળકોની કલાત્મકતા અને સર્જનાત્મકતાને ખીલવે છે.
સંગીત: સંગીત બાળકોના મનને શાંતિ અને આનંદ આપે છે.
ગામ,શહેરની નજીકના સ્થળોની મુલાકાત: ઐતિહાસિક અને ઔદ્યોગિક સહિતના સ્થળો અને સરકારી કચેરીઓની મુલાકાત.
આ ઉપરાંત બાળકોને મોબાઈલથી દૂર રાખવા સંબંધે તથા મેદસ્વીતા ઘટાડવા સંબંધે જ્ઞાન આપવામાં આવશે. સાથે જ સફાઈ કામગીરીઓ, બાગકામ, ખેતીકામ અને માટીના વાસણો બનાવવા, લાકડાંની વિવિધ ચીજો બનાવવી, લોખંડના ઓજારો બનાવવા તથા સાદાં ઈલેક્ટ્રીક કામો કરાવવા વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો.(file image)