Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં આ ચોમાસાની પેટર્ન એ જોવા મળી રહી છે કે, વરસાદના લગભગ દરેક રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. મેઘરાજા સૌ પર હેત વરસાવી રહ્યા છે. વરસાદના હાલના છેલ્લા રાઉન્ડમાં પણ જિલ્લાના બધાં જ વિસ્તારોમાં અડધાથી માંડીને ચારેક ઈંચ જેટલો સચરાચર વરસાદ નોંધાયો છે.
અહીં દર્શાવવામાં આવેલાં વરસાદના તમામ આંકડા, આજે મંગળવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલા 24 કલાકના છે. જામનગર શહેરમાં આ 24 કલાક દરમ્યાન, ગઈકાલે સવારે 10 થી રાત્રિના 10 સુધી એટલે કે આ બાર કલાક દરમ્યાન ઝરમરિયો વરસાદ વરસ્યો, જેમાં વચ્ચે વચ્ચે હળવા ઝાપટા પણ વરસી જતાં, 24 કલાકમાં કુલ દોઢ ઇંચ જેટલું પાણી વરસી જતાં શહેરમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. આટલા હળવા છાંટામાં પણ શહેરના કેટલાંક માર્ગો અને વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતાં. કેટલાંક રસ્તાઓ માથાનો દુખાવો બન્યા.
જામનગર ઉપરાંત જિલ્લાના બધાં જ તાલુકામથકે આ ચોવીસ કલાક દરમ્યાન વરસાદ નોંધાયો છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જોડીયામાં 2 ઈંચ કરતાં વધુ, ધ્રોલમાં દોઢ ઇંચ કરતાં વધુ, કાલાવડમાં 3 ઈંચ કરતાં વધુ, લાલપુરમાં પોણાં બે ઈંચ જેટલો અને જામજોધપુરમાં આ 24 કલાક દરમ્યાન દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
-જિલ્લાના બધાં જ ગ્રામ્ય વિસ્તારોમાં સચરાચર વરસાદ નોંધાયો…
આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમ્યાન કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજામાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ નોંધાયો. આ સાથે જ જામજોધપુરના પરડવા તથા વાંસજાળીયામાં માં વધુ ત્રણ ઈંચ વરસાદ થયો. મોટી ભલસાણ, પીઠડ અને પીપરટોડામાં અઢી ઈંચ વરસાદ, ખરેડી, મોટાવડાળા, સમાણા, જામવાડી તથા મોટા ખડબામાં બે ઈંચ જેટલો કે તેથી વધુ વરસાદ નોંધાયો.
આ સાથે જ વસઈ, લાખાબાવળ, મોટી બાણુગાર, ફલ્લા, જામવંથલી, અલિયાબાડા, દરેડ, હડિયાણા, બાલંભા, લતીપુર, જાલિયાદેવાણી, લૈયારા, નિકાવા, નવાગામ, શેઠવડાળા, ધૂનડા, ધ્રાફા, પડાણા, ભણગોર, મોડપર અને હરિપર પંથકોમાં પણ અડધાથી માંડીને બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે સવારે 6 થી 10 દરમ્યાન જિલ્લાના એક પણ પંથકમાં વરસાદ નથી. ઉઘાડ છે. સૂર્યનારાયણ ઓન ડ્યૂટી છે.