Mysmachar.in:જામનગર
ઘણાં પુરૂષોને, પરણેલા પુરૂષોને પણ સ્ત્રીમિત્ર હોય છે. પરંતુ આ ગર્લફ્રેન્ડ સાથેનો સંબંધ અને આ સંબંધ દરમ્યાન થઈ જતી કોઈ ભૂલની તેણે ઘણાં કિસ્સાઓમાં મોટી કિંમત પણ ચૂકવવી પડતી હોય છે. જામનગરમાં એક વેપારીને આવો ‘કડવો’ અનુભવ થઈ ગયો છે, જેમાં ‘મીઠી’ ચોકલેટને કારણે આ આખી બબાલ થઈ.
જામનગરના મીનારા ફળી, વોરાવાડ વિસ્તારમાં રહેતા 59 વર્ષના વેપારી ફારૂકભાઈ કાદરભાઈ ગજર ઉર્ફે રાજુભાઈએ શહેરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી. આ ફરિયાદમાં જણાવાયું છે કે, આ ફરિયાદી પોતે અને આ ફરિયાદીની સ્ત્રીમિત્ર ગત્ 10મી જૂને રાત્રે આઠેક વાગ્યે, શહેરના સુભાષ શાકમાર્કેટ વિસ્તારમાં સૂકામેવાની એક દુકાનમાં ગયા હતાં.
આ દુકાનમાં ફરિયાદીએ પોતાની સ્ત્રીમિત્રને ચોકલેટ ખવડાવી. મહિલાએ પણ આ ફરિયાદીને ચોકલેટ ખવડાવી. આ હેતભર્યા દ્રશ્યો દુકાનના CCTV કેમેરામાં કેદ થઈ ગયા. ફરિયાદી તથા તેની સ્ત્રીમિત્ર દુકાનમાંથી જતાં રહ્યા બાદ, આ દુકાનના માલિક અબ્દુલસતાર ઉર્ફે અબુ કાસમભાઈ લાખાણી(રહે. મકવાણા સોસાયટી, કાલાવડ નાકા બહાર)ના દિમાગમાં એક શયતાની વિચાર આવ્યો કે, ચોકલેટ નામની આ પ્રેમકથા દુકાનના કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ફિલ્મના રૂપિયા ન મળે ?!
આ શયતાની વિચારને આગળ વધારી, અબુ નામના આ દુકાનદારે અન્ય આરોપી સમીર રાવકરડાની મદદથી ફારૂકભાઈ નામના ફરિયાદી વેપારીને કહ્યું કે, દુકાનના CCTV કેમેરામાં કેદ થયેલી તમારી અને શેહનાઝબેનની ‘ચોકલેટી’ પ્રેમકથા મારાં મોબાઈલમાં આવી ગઈ છે. જૂઓ, આ રહી. વાયરલ થઈ જશે, લાવો રૂ. 50,000. ડરના માર્યા ફરિયાદીએ નાણાં આપી દીધાં.
બાદમાં સૂકામેવાના વેપારી અબૂને વધુ નાણાંની લાલચ થતાં તેણે ફરીથી ફારૂકભાઈ પાસે રૂ. 1,00,000 ની ડિમાંડ કરી. ફારૂકભાઈએ નાણાં આપવાની ના પાડતા અબુએ ફરિયાદીને ધમકી આપ્યા બાદ, ફારૂકભાઈ અને શેહનાઝબેનનો આ ચોકલેટી વીડિયો વાયરલ કરી દીધો. ફારૂકભાઈના રૂ. 50,000 ગયા અને વેપારી પ્રૌઢ તરીકેની સામાજિક અને વેપારી પ્રતિષ્ઠા પણ ગઈ. મીઠી ચોકલેટનો સ્વાદ કડવો સાબિત થયો. આ બનાવે સંબંધિત લોકોમાં ભારે ચકચાર મચાવી છે.