Mysamachar.in-જામનગર:
સમગ્ર સૌરાષ્ટ્રની સાથેસાથે ત્રણેક દિવસના વિરામ બાદ જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી માંડીને પાંચેક ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગે આગાહી કરેલી કે, જામનગર જિલ્લામાં 27મી જૂને વરસાદ વરસી શકે છે.
જામનગર શહેરમાં ગઈકાલે ગુરૂવારે આખો દિવસ વાદળિયુ વાતાવરણ રહ્યું હતું અને એ દરમ્યાન બપોરે 4 થી રાત્રિના 8 વાગ્યા વચ્ચેના સમયમાં હળવો ઝરમરિયો વરસાદ નોંધાયો. આજે શુક્રવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલા 24 કલાક દરમ્યાન જામનગર શહેરમાં સામાન્ય છાંટા પડ્યા.
આ ઉપરાંત આ 24 કલાક દરમ્યાન જામજોધપુરમાં અઢી ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. સાથે સાથે ધ્રોલ તાલુકામથકે એક ઈંચથી થોડો વધુ વરસાદ થયો છે. જિલ્લામાં આ ઉપરાંત જોડિયામાં અડધા ઈંચથી સહેજ વધુ અને બાકીના તાલુકા મથકો લાલપુર અને કાલાવડ ખાતે જામનગર માફક હળવા છાંટા નોંધાયા. જો કે કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે.
-જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ ઈંચ સુધીનો વરસાદ..
જામનગર જિલ્લાના લગભગ બધાં જ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ કાલાવડ તાલુકાના ખરેડીમાં પાંચ ઈંચ જેટલો નોંધાયો અને આ જ તાલકાનું મોટા વડાળા મેઘરાજાની કૃપાથી વંચિત રહી ગયું. કાલાવડના નવાગામમાં બે ઈંચ, મોટા વડાળામાં પોણા બે ઈંચ જેટલો અને નિકાવામાં એક ઈંચ તથા ભલસાણ બેરાજામાં અડધા ઈંચથી વધુ વરસાદ થયો.
આ ઉપરાંત જોડીયા તાલુકાના પીઠડમાં પોણા ત્રણ ઈંચ જેટલો અને બાલંભામાં સવા ઈંચથી વધુ વરસાદ થયો. આ સાથે જ જામજોધપુર તાલુકાના પરડવામાં પોણા ત્રણ ઈંચ જેટલો અને જામવાડી, વાંસજાળીયા તથા ધ્રાફામાં બે ઈંચ કે તેથી વધુ વરસાદ થયો. શેઠવડાળા અને સમાણામાં એક ઈંચ આસપાસ વરસાદ નોંધાયો.
ધ્રોલના લતીપુરમાં બે ઈંચ જેટલો અને લૈયારામાં એક ઈંચથી વધુ વરસાદ થયો. આ સાથે જ જામનગર તાલુકાના ફલ્લા, જામવંથલી, મોટી ભલસાણ અને અલિયાબાડામાં એક ઈંચ આસપાસ વરસાદ નોંધાયો અને બાકીના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા છાંટા થયા. લાલપુર તાલુકામાં સૌથી વધુ એક ઈંચ જેટલો વરસાદ મોડપરમાં અને તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો. વરસાદના આ તમામ આંકડા આજે સવારે છ વાગ્યે પૂર્ણ થયેલા પાછલા 24 કલાકના છે.