Mysamachar.in-જામનગર:
જામનગરની એક બેંક અને દિલ્હીની એક કંપની દ્વારા વર્તમાન જૂન માસમાં સોનાની એક ઓનલાઈન હરાજી યોજાયેલી જેમાં અમદાવાદની એક પાર્ટીએ ખરીદેલું સોનું ‘બોગસ’ હોવા અંગે, આ પાર્ટીએ જામનગરમાં ફરિયાદ દાખલ કરાવી છે અને બેંક અધિકારીઓ સહિતના આરોપીઓ વિરુદ્ધ ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.
આ ફરિયાદના ફરિયાદી અમદાવાદના વેપારી પંકજ જૈન છે. એમના વતી સુમિત દિપકભાઈ રાણાએ જામનગરના પાર્ક કોલોનીમાં આવેલી DCB બેંકમાંથી, ઓનલાઈન સોનાની હરાજીમાં ખરીદેલા સોનાના પેકેટની ડિલેવરી લીધી હતી, જે માટે અગાઉથી નાણાં ચૂકવી દેવામાં આવેલા. બાદમાં ખરીદદારને ખબર પડી કે, આ સોનું ‘બોગસ’ છે !
આ ખરીદદાર પાર્ટીએ રૂ. 2,52,247 બેંકમાં ચૂકવીને હરાજીના આ સોનાનું એક પેકેટ વેચાણથી લીધું હતું. આ ઓનલાઈન હરાજી દિલ્હીની કંપની શ્રીરામ ઓટોમોલ ઈન્ડિયા લિ. દ્વારા કરવામાં આવેલી અને અમદાવાદના આ ખરીદદારને જામનગરની DCB બેંકમાં સોનું આપવામાં આવ્યું હતું. ખરીદદારના પ્રતિનિધિને સોનું દેખાડવામાં આવ્યું ન હતું અને સોનાની ચકાસણીઓ કરવાની તક પણ આપવામાં આવી ન હતી. પૂરી રકમ ખરીદદાર પાસેથી વસૂલ કર્યા બાદ જ સોનાનું પેકટ આપવામાં આવ્યું હતું- એમ ફરિયાદમાં જણાવાયું છે.
બાદમાં અમદાવાદથી આવેલા સુમિત રાણાએ પેકેટ ખોલી સોનું જોયું અને ચકાસણીઓ કરી તો ખ્યાલ આવ્યો કે, આ સોનું ખોટું છે. આથી તેણે બેંકના જવાબદાર અધિકારીઓ અને કંપનીને ફરિયાદ કરી પરંતુ ફરિયાદીને કયાંયથી યોગ્ય અને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહીં અને વધારામાં દિલ્હીની આ કંપનીએ એવો હુકમ છોડ્યો કે, આ ખરીદદાર હવેથી કોઈ પણ બેંકની હરાજીમાં સોનું ખરીદી શકશે નહીં. જો કે ફરિયાદી કહે છે કે, આ પ્રક્રિયાઓ નિયમ વિરુદ્ધની છે.
આખરે અમદાવાદના વેપારી પંકજ જૈને જામનગરની આ DCB બેંકના મેનેજર આકાશ પાઠક, ડેપ્યુટી મેનેજર સંજય ત્રિવેદી, સોનાનું મૂલ્યાંકન કરનાર વેલ્યુઅર, સોનાની ચકાસણીને સર્ટિફિકેટ આપનાર ઓડિટર તથા દિલ્હીની કંપની તેમજ આ તપાસમાં જે કોઈ કસૂરવાર સાબિત થાય તે તમામ વિરુદ્ધ જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી છે. આ ફરિયાદ થતાં બેંકમાં દોડધામ શરૂ થઈ છે અને હવે જેતે સમયના બેંકની અંદરના CCTV ફૂટેજ સહિતની બાબતોની ચકાસણીઓ પોલીસ દ્વારા થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, બેંકો અને કંપનીઓ પૈકી જેઓ ગોલ્ડ લોન સહિતનો સોનાનો ‘વહીવટ’ કરે છે, તેમાં અનેક પ્રકારની અનિયમિતતાઓ, ગેરરીતિઓ અને કાવતરાં સંબંધે આવી અનેક ફરિયાદો ઉઠતી જ રહે છે.