Mysamachar.in-
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મેઘસવારી આવી પહોંચી છે. મોટાભાગના જિલ્લાઓમાં વરસાદના અહેવાલો છે. તેની સાથે સાથે હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ બધાં જ તાલુકામાં વરસાદ નોંધાયો હોય આ સચરાચર વરસાદનો લાભ બધાં જ વિસ્તારોને મળવા પામ્યો છે.
આજે મંગળવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં 24 કલાક દરમ્યાન, જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ જોડિયામાં 2 ઈંચ જેટલો નોંધાયો છે. આ ઉપરાંત ધ્રોલમાં પોણાં ઈંચ, કાલાવડ અને જામજોધપુરમાં એક ઈંચ કરતાં વધુ અને લાલપુરમાં એક ઈંચ તથા જામનગરમાં એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત દ્વારકા જિલ્લામાં આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલા 24 કલાક દરમ્યાન સૌથી વધુ પોણાં ત્રણ ઈંચ જેટલો વરસાદ કલ્યાણપુરમાં નોંધાયો છે. દ્વારકામાં 2 ઈંચ અને ભાણવડમાં પોણાં બે ઈંચ તથા ખંભાળિયામાં એક ઈંચથી થોડો વધુ વરસાદ કંટ્રોલરૂમમાં નોંધાયો છે.
-જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બધે જ અમીધારા..
હાલારના બંને જિલ્લામાં જે રીતે વરસાદ નોંધાયો છે એ જ રીતે જામનગર જિલ્લાના લગભગ બધાં જ ગ્રામ્ય વિસ્તારોમાં, આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલા 24 કલાક દરમ્યાન વરસાદ નોંધાયો છે.
આ 24 કલાક દરમ્યાન સૌથી વધુ પોણાં બે ઈંચ જેટલો વરસાદ જામનગર નજીકના મોટી બાણુંગારમાં નોંધાયો. આ ઉપરાંત મોટી ભલસાણ અને જામજોધપુરના જામવાડી તથા વાંસજાળીયા ખાતે દોઢેક ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ ફલ્લા, જામવંથલી, અલિયાબાડા, પીઠડ, લતીપુર, મોટા પાંચદેવડા, નવાગામ, નિકાવા, ખરેડી, મોટાવડાળા, સમાણા, ધુનડા, ધ્રાફા, પરડવા, ભલસાણ બેરાજા સહિતના પંથકમાં એક એક ઈંચ આસપાસનો વરસાદ નોંધાયો છે અને આ સાથે જ અડધાં ઈંચ જેટલો વરસાદ તો લગભગ બધાં જ ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાતા ખેડૂતો સહિતના ગ્રામજનોને ચોમાસુ શરૂ થઈ ગયાની હૈયે ટાઢક થઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરમાં સોમવારે સવારે વાતાવરણમાં પલટા સાથે જ સવારે અગિયાર વાગ્યાથી હળવા છાંટા દિનભર રહી રહીને પડ્યા બાદ રાત્રે આઠથી સવારે છ દરમ્યાન છાંટા વધ્યા હતાં, તે દરમ્યાન રાત્રે 12 થી 2 વચ્ચે થયેલાં છાંટા નોંધપાત્ર રહ્યા હતાં. વાતાવરણમાં સામાન્ય ઠંડક વર્તાઈ રહી છે.