Mysamachar.in-જામનગર:
થોડાથોડા સમયે પોતે શ્રેષ્ઠ આરોગ્યધામ હોવાનો દાવો કરતી જામનગરની જીજી હોસ્પિટલનું સંચાલન ‘મજબૂત’ હાથોમાં નથી, એ વાતની સાબિતી એમાંથી મળી જાય છે કે, આ હોસ્પિટલ ઈમારતમાં થોડાથોડા સમયે એવા બનાવો બને છે જાણે આ હોસ્પિટલનું કોઈ ધણીધોરી નથી. અને, લાખો રૂપિયાનો પગાર ખાતી સિક્યોરિટી વ્યવસ્થાઓ ધોળો હાથી પૂરવાર થઈ રહી છે, દરેક બબાલ વખતે સિકયોરિટી કર્મચારીઓ ગેરહાજર હોય છે. હોસ્પિટલ સત્તાવાળાઓ એમને પૂછતા નથી કે બનાવ સમયે તમે ક્યાં હતાં ? અને આવી ભંગાર સિકયોરિટી વ્યવસ્થાઓ હોસ્પિટલ સત્તાવાળાઓ શા માટે ચલાવી લ્યે છે, એ પ્રશ્ન પણ હવે શંકાઓ તરફ ઈશારો કરે છે.
જીજી હોસ્પિટલમાં તાજેતરના કેટલાંક દિવસો દરમ્યાન ઉપરાઉપરી 3 બનાવો એવા બન્યા જેને કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ભારે ગભરાટ અને ભયનું વાતાવરણ જોવા મળેલું હતું. ગઈકાલે ગુરૂવારે આવો વધુ એક બનાવ બની ગયો. એક અસામાજિક તત્વ પ્રકારનો શખ્સ હાથમાં લોખંડનો પાઈપ લઈ હોસ્પિટલમાં આવારાગીરી કરતો રહ્યો. દર વખતની માફક આ મામલામાં પણ કયાંય, એક પણ સિકયોરિટી ગાર્ડ નહીં ! હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર નજીક પોલીસચોકી પણ છે. આમ છતાં દર વખતે આવા બનાવો સમયે કયાંય, કોઈ સુરક્ષા જોવા મળતી નથી. અને હોસ્પિટલ સત્તાવાળાઓ ન તો સિકયોરિટી વિરુદ્ધ કોઈ પગલાંઓ લ્યે છે, ન તો આવા બનાવો વખતે પોલીસ ફરિયાદ દાખલ કરાવે છે. તંત્રની નિયતમાં પણ ખોટ હોવાનું લોકો માની રહ્યા છે.