Mysamachar.in- જામનગર:
સમગ્ર રાજ્યની સાથે જામનગર જિલ્લામાં આગામી 22મી એ પંચાયતોની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ગઈકાલે 11મી જૂને ફોર્મ પરત ખેંચવાનો દિવસ હતો. ફોર્મ પરત ખેંચાયા બાદ ક્યા તાલુકામાં સરપંચપદ માટેના અને સભ્યપદ માટેના કેટલા ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા છે અને કેટલી ગ્રામ પંચાયતોમાં ગામના રાજા એટલે કે સરપંચ બિનહરીફ જાહેર થઈ ગયા છે તેની સત્તાવાર વિગતો જિલ્લા ચૂંટણીતંત્રએ જાહેર કરી છે.
જાહેર થયેલી વિગતો અનુસાર, જામનગર જિલ્લાની કુલ 266 ગ્રામ પંચાયતોમાં આગામી 22 જૂને સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણીઓ માટે મતદાન થશે. આ 266 પૈકી 87 એટલે કે લગભગ 33 ટકા જેટલી પંચાયતોમાં સરપંચ અને સભ્યોની બિનહરીફ વરણી થઈ શકી છે, બાકીની 66 ટકા પંચાયતોમાં ઉમેદવારોએ એકબીજાને ચૂંટણીઓના મેદાનમાં લલકાર આપી દીધો છે જેને કારણે આ 66 ટકા ગામોના સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
જામનગર તાલુકામાં કુલ 65 પંચાયતોની ચૂંટણીઓ જાહેર થઈ છે, જે પૈકી 20 સરપંચ બિનહરીફ જાહેર થયા. સાથે સાથે, 262 સભ્ય પણ બિનહરીફ જાહેર થયા. હવે સરપંચપદ માટે અન્ય પંચાયતોમાં 106 ઉમેદવાર અને સભ્યપદ માટે 611 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. કાલાવડ તાલુકાની 72 પંચાયત પૈકી 25 પંચાયતમાં સરપંચ બિનહરીફ અને સાથે 344 સભ્ય પણ બિનહરીફ જાહેર થયા. આ તાલુકાની અન્ય પંચાયતોમાં સરપંચપદ માટે 101 અને સભ્યપદ માટે અન્ય 343 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે.
લાલપુર તાલુકાની 47 પંચાયત પૈકી 11 પંચાયતોમાં સરપંચ બિનહરીફ થયા છે અને સાથે 150 સભ્ય બિનહરીફ જાહેર થયા છે. આ તાલુકાની અન્ય પંચાયતોમાં સરપંચપદ માટે 85 ઉમેદવારો અને સભ્યપદ માટેના 472 ઉમેદવારો ચૂંટણીઓ લડી રહ્યા છે. જામજોધપુર તાલુકાની 34 પંચાયતો પૈકી 10 પંચાયતમાં સરપંચ અને 142 સભ્ય બિનહરીફ જાહેર થયા છે અને બાકીની પંચાયતોમાં સરપંચપદ માટે 55 અને સભ્યપદ માટે 282 ઉમેદવાર હાલ મેદાનમાં છે.
ધ્રોલ અને જોડિયા તાલુકાની 24-24 પંચાયતોમાં ચૂંટણીઓ જાહેર થઈ છે જે પૈકી ધ્રોલની 12 અને જોડિયાની 9 પંચાયતોમાં સરપંચ બિનહરીફ જાહેર થયા છે અને સાથે ધ્રોલમાં 143 અને જોડિયામાં 147 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. આ બંને તાલુકાની અન્ય પંચાયતોમાં, ધ્રોલ તાલુકામાં સરપંચપદ માટે 27 અને સભ્યપદ માટે 79 ઉમેદવાર મેદાનમાં છે, એ જ રીતે જોડિયા તાલુકામાં સરપંચપદ માટે 33 અને સભ્યપદ માટે 106 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચેલા નથી અને હારજિતનો ફેંસલો કરવા ચાહે છે.
-સમગ્ર જિલ્લામાં ઓલઓવર સ્થિતિઓ શું છે ?…
આખા જિલ્લાની સ્થિતિઓ આ પ્રમાણે છે: કુલ પંચાયત 266, સરપંચ બિનહરીફ જાહેર થયા હોય એવી પંચાયત 87, કુલ 1,188 સભ્ય બિનહરીફ, સરપંચપદ માટે ચૂંટણીઓ લડી રહેલા ઉમેદવાર 407 અને સભ્યપદ માટે હજુ સુધી મેદાનમાં અડીખમ ઉભા હોય એવા ઉમેદવારની સંખ્યા 1,893 જાહેર થઈ છે.(symbolic image source:google)