Mysamachar.in-જામનગર:
ઔદ્યોગિક રાજ્ય તરીકે પ્રખ્યાત ગુજરાતમાં ઔદ્યોગિક સહિતના પ્રદૂષણનો મામલો વર્ષોથી ચર્ચાસ્પદ છે અને પ્રદૂષણને કારણે ઘણાં પ્રકારની બિમારીઓ અને મોતના મામલાઓ પણ સંવેદનશીલ વિષય રહ્યો છે. હવે રાજ્યમાં આ દિશામાં કેટલીક ગતિવિધિઓ આગળ વધારવામાં આવી રહી છે. અમદાવાદમાં પ્રદૂષણ ઘટાડવા એર મોનિટરીંગ સિસ્ટમ ડેવલપ પણ કરી લેવામાં આવી છે.
રાજ્યના પર્યાવરણ મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રના કહેવા અનુસાર, આગામી સમયમાં આ કામગીરીઓ આગળ વધારવા પ્રથમ તબક્કામાં સુરત, વડોદરા અને રાજકોટમાં એર મોનિટરીંગ સિસ્ટમ ડેવલપ થઈ જશે. ત્યારબાદ બીજા તબક્કામાં અન્ય 2 શહેરોનો સમાવેશ કરવામાં આવશે. વાપી અને અંકલેશ્વર પંથકોમાં ઔદ્યોગિક વસાહતો પુષ્કળ હોવાથી બીજા તબક્કામાં અંકલેશ્વર ખાતે મોનિટરીંગ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી શકે છે. તેની સાથે જામનગરમાં પણ મોનિટરીંગ સિસ્ટમ ડેવલપ કરવા અંગે પ્રાથમિક વિચારણા ચાલી રહી હોવાનું સૂત્ર જણાવે છે.

હાલમાં જો કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ માટેની સિસ્ટમ ખરીદવાના તબક્કામાં હોવાનું જાણવા મળે છે. પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું છે કે, સુરત, વડોદરા અને રાજકોટમાં એર મોનિટરીંગ સિસ્ટમ ડેવલપ કરવાનું ફાઇનલ છે. બાકીના અન્ય 2 શહેરો અંગે બાદમાં નક્કી કરવામાં આવશે.

-જામનગરમાં હાલ પ્રદૂષણ નિયંત્રણ મુદ્દે શું ચાલી રહ્યું છે ?…
જામનગરમાં આવેલી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીના વડા જી.બી.ભટ્ટે Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં આજે જણાવ્યું છે કે, જામનગર નજીક દરેડ ખાતે ઔદ્યોગિક પ્રદૂષણ ચકાસવા ચારપાંચ મહિનાથી એક યંત્ર લગાવવામાં આવ્યું છે. હાલમાં તેના દ્વારા પ્રાયોગિક ચકાસણીઓ કરવામાં આવી રહી છે. પ્રાથમિક કામગીરીઓ બાદ આ વ્યવસ્થા કાયમી બનાવવા માટે હાલ ગાંધીનગર ખાતેથી આ યંત્ર માટે વર્ક ઓર્ડર સહિતની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે. એમણે વધુમાં કહ્યું કે, સમગ્ર જામનગર જિલ્લામાં એકમાત્ર દરેડ ખાતે આ વ્યવસ્થાની હાલ ચકાસણીઓ કરવામાં આવી રહી છે.
