Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાએ ગત્ તા.16-04-2025થી એડવાન્સ ટેક્સ રિબેટ યોજના અમલમાં મૂકી છે. આ યોજના આજથી પાંચમા દિવસે એટલે કે, 31મી મે ના રોજ પૂર્ણ થશે. મિલકત વેરો અને પાણી ચાર્જની રકમો કરદાતાઓ દ્વારા જો એડવાન્સ ટેક્સ તરીકે ભરી આપવામાં આવે તો, કરદાતાઓ જુદી જુદી કેટેગરી અંતર્ગત 10 ટકાથી માંડીને 25 ટકા સુધીનું વળતર એટલે કે રિબેટ મેળવી શકે છે.
16 એપ્રિલથી અત્યાર સુધીમાં શહેરના 34,514 કરદાતાઓ આ રિબેટ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે. કરદાતાઓએ રૂ. 1.96 કરોડનું વળતર પ્રાપ્ત કર્યું છે અને મહાનગરપાલિકાને આ વેરા ચાર્જીસ પેટે રૂ. 24.02 કરોડની આવક થવા પામી છે. નાણાંકીય વર્ષ 2025-26નો મિલકત વેરો અને પાણી ચાર્જ એડવાન્સ ભરી કરદાતાઓ આ યોજનાનો લાભ 31 મે સુધી મેળવી શકશે.

જે કરદાતાઓએ એપ્રિલ-2025 પહેલાં સોલાર સિસ્ટમ ઈન્સ્ટોલ કરાવેલી છે એમને આ વેરા ચાર્જીસ ભરવામાં મિલકતવેરાના 5 ટકાની રકમ એક વખત વધારાના વળતર તરીકે આપવામાં આવે છે. આ ઉપરાંત વર્ષ 2006 પહેલાંની રેન્ટ બેઝ વ્યવસ્થાના બાકી નાણાં ચૂકવનાર કરદાતાઓને મિલકત વેરો તથા વોટર ચાર્જીસમાં 33 ટકા વ્યાજમાફીની યોજના પણ હાલ અમલમાં છે. આ સાથે જ ઓનલાઈન વેરા ચાર્જીસ ભરનારને મહત્તમ રૂ. 250ની મર્યાદામાં 2 ટકા રિબેટ આપવામાં આવે છે. કોર્પોરેશન, નિયત બેંક અથવા મહાનગરપાલિકાની વેબસાઈટ મારફતે કરદાતાઓ નાણાં ભરી શકે છે.
