Mysamachar.in-જામનગર:
સામાન્ય રીતે કોઈપણ ડીમોલીશન એટલે કે પાડતોડ થતા હોય ત્યારે ત્યાં ઉભા થયેલ બાંધકામો જેવા કે રહેણાક કે કોમર્શીયલ બાંધકામોને મનપાની ટીમ તોડી પાડતી હોય છે, પણ જામનગરમાં આજે સવારથી શરુ થયેલ ડીમોલીશનમાં નદીના પ્રવાહમાં વચ્ચોવચ લહેરાતી વાડી પર પણ બુલડોઝર ફરી ચુક્યું હોવાનું મનપાના એસ્ટેટ વિભાગના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા જણાવે છે. રાજ્યના અન્ય કેટલાંક શહેરોની માફક જામનગરમાં પણ અત્યાર સુધી નદીનો પટ ‘રેઢો પટ’ રહ્યો અને સંબંધિતોએ વર્ષો સુધી ‘ખેડી’ ખાધું. હવે જામનગર શહેરમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અને નદીને ફરીથી જિવતી કરવાની કામગીરીઓ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ જેટગતિએ હાથ ધરવામાં આવતા આ પ્રકારના કુંડાળાઓ જાહેર થઈ રહ્યા છે. અને દરરોજ સવાર પડતાની સાથે જ બુલડોઝર ફરવાની કાર્યવાહી શરુ થઇ જાય છે.

જામનગરમાં છેલ્લા કેટલાંક દિવસોથી ચાલી રહેલી દબાણહટાવ કામગીરીઓ અંતર્ગત આજે શનિવારે મહાનગરપાલિકાએ નદીના પટમાં ડિમોલીશન કામગીરીઓ હાથ ધરી ત્યારે જાહેર થયું કે, શહેરમાં કાલાવડ નાકા બહાર અન્નપૂર્ણા માતાજીના મંદિર પાછળના ભાગમાં, નાગમતી નદીનો પ્રવાહ જ્યાં વહે છે તે પટમાં એક ‘ગેરકાયદેસર’ વાડી લહેરાતી હતી ! આ વિશાળ વાડીમાં જુવારનું વાવેતર કરવામાં આવેલું હોવાનું બહાર આવ્યું છે.

મહાનગરપાલિકાએ જણાવ્યા અનુસાર, આ વિશાળ અને ગેરકાયદેસર વાડી વર્ષોથી અહીં આશરે સવા બે લાખ ફૂટ વિસ્તારમાં હતી. આ વાડી પર બુલડોઝર ફેરવી દેવામાં આવતાં નદીના પટની આશરે 20,000 ચોરસમીટર જેટલી જગ્યા દબાણમુક્ત થઈ છે. એમ કહેવામાં આવે છે કે, આ નદીનો પટ ઈરફાન નામના કોઈ શખ્સે દબાણ કરી લીધો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે શનિવારે મહાનગરપાલિકાએ આ વિસ્તાર ઉપરાંત નવનાલા વિસ્તારમાં કુલ આશરે 35 દબાણો હટાવવા માટેની કામગીરીઓ આદરી છે. જે દરમ્યાન આ ‘ગેરકાયદેસર’ વાડી પણ હડફેટમાં ચડી ગઈ છે.અને વાડીનો કબજો ખાલી કરાવવામાં આવ્યો છે.
