Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામથકે ‘સમાચાર’ માટેની એક ઓફિસમાં એક વૃદ્ધ પૂજારીને લાકડી વડે ફટકારવામાં આવ્યા હોવાના બનાવે ભારે ચકચાર જગાવી છે. આ અંગે વૃદ્ધે એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. કાલાવડ ટાઉન પોલીસમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, આ મામલાના ફરિયાદી 62 વર્ષના ગોપેશભાઈ ઉદયશંકર જોષી ગત્ 22મી એ બપોરે 4 વાગ્યા આસપાસ કાલાવડના સાગર કોમ્પ્લેક્ષમાં હિન્દ ન્યૂઝ(પત્રકારની ઓફિસ) નામની એક ઓફિસમાં ગયા હતાં. કાલાવડના શીતલા માતાજી મંદિર બાબતે કોઈ સમાચારના સંબંધે આ વૃદ્ધ મૌખિક ચર્ચા માટે ગયા હતાં.

આ સમયે ઓફિસમાં રહેલા રિતેશ પટેલ નામના શખ્સે આ વૃદ્ધ સાથે બોલાચાલી કરી હતી અને એમ કહેલું કે, તમો બ્રાહ્મણ શીતલામાતા મંદિરનું બધું ખાઈ ગયા છો, આ ઉપરાંત જેમ ફાવે તેમ બોલી આ શખ્સે વૃદ્ધને ઓફિસમાંથી બહાર નીકળી જવા કહેલું અને વૃદ્ધને પીઠમાં લાકડી ફટકારી, એમ કહેલું કે, હવે પછી ઓફિસમાં આવીશ તો જિવતો નહીં છોડું- આ મતલબની ફરિયાદ ગોપેશભાઈ નામના વૃદ્ધે નોંધાવતા, નાના એવા કાલાવડ શહેરમાં આ બનાવે ચકચાર મચાવી છે.
