Mysamachar.in-સુરત:
સુરત SOGએ એક પરફ્યુમ કંપનીની આડમાં ચાલતાં એક પોર્ન વીડિયોઝના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને 8 શખ્સોની ધરપકડ કરી છે. આ ગેંગ ગ્રાહકોને પોર્ન વીડિયોઝ વેચતી હોવાનું બહાર આવ્યું છે. આ કૌભાંડમાં ગ્રાહકો શોધી લાવવા 40 જેટલી યુવતિઓની પણ કોલર તરીકે મદદ લેવામાં આવતી હતી. પોલીસે જાહેર કરેલી વિગત અનુસાર, આ ધંધાનો મુખ્ય આરોપી જૈમિન ડોબરિયા છે. જેણે ગળામાં ‘યોધ્ધા’ લખેલું ટેટુ દોરાવેલું છે. તેના સહિત 8 શખ્સો ઝડપાઈ ગયા છે. આ કૌભાંડના એક ભાગીદારનું નામ મિલન ચતુર ગોંડલીયા છે, જે હાલ સુરત રહે છે અને મૂળ ખંભાળિયાનો છે. આ ઉપરાંત અન્ય એક ભાગીદારનું નામ હર્ષ ઉર્ફે કાનો રમેશ પટેલ છે.

આ કૌભાંડમાં 40 જેટલી યુવતિઓ ફોન કરી ગ્રાહકોને પોર્ન વીડિયોઝના પેકેજ ઓફર કરતી હતી એવું જાહેર થયું છે. જૈમિને ટી.એમ.પરફ્યુમ નામની એક કંપની બનાવી છે. આ કંપની પરફ્યુમ વેચવા સાથે પોર્ન વીડિયોઝ પણ વેચી રહી હતી. આ કંપનીમાં 150 કર્મચારીઓ કામ કરતાં હતાં. જેમાં 40 થી વધુ યુવતિઓ છે. આ યુવતિઓએ ગ્રાહકોને પોર્ન વીડિયોઝના પેકેજ ઓફર કરતી વખતે ગ્રાહકો સાથે કેવી રીતે વાતચીત કરવી તેની તાલીમ પણ કંપની દ્વારા આપવામાં આવતી હતી.
આ કંપની ઈન્ટરનેશનલ પોર્ન વીડિયોઝ ડાઉનલોડ કરતાં અને કોલ સેન્ટર મારફતે ગ્રાહકો સુધી પહોંચતા. કોઈ વ્યક્તિ નેટ પર પોર્ન વીડિયોઝ શોધી રહી હોય તે વ્યક્તિના ડેટા આ કંપની મેળવી લેતી. બાદમાં આ લોકોને પોર્ન વીડિયોઝના પેકેજ ઓફર કરી તેમને કાયમી ગ્રાહક બનાવી લેવામાં આવતાં.

પોલીસે આ કંપનીના 7 બેંક એકાઉન્ટ અને 1,000 ગ્રાહકોનો ડેટા તથા લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શનની વિગતો પ્રાપ્ત કરી છે. આ સાથે જ 30,000 ગ્રાહકોના અન્ય ડેટાનો અભ્યાસ થઈ રહ્યો હોય આ મામલો તોતિંગ હોવાની પૂરી શકયતાઓ છે. આ કંપનીએ 2 OTT પ્લેટફોર્મ પણ તૈયાર કર્યા છે, જેનો ઉપયોગ આ કૌભાંડમાં થતો. ગ્રાહકોને માસિકથી માંડીને વાર્ષિક પેકેજ ઓફર કરવામાં આવતાં હતાં. પેઈડ પોર્ન એપ ચલાવનાર આ કંપનીના મુખ્ય સૂત્રધાર જૈમિન સહિતના આઠેય શખ્સોને ગઈકાલે ગુરૂવારે રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતાં. અદાલતે આઠેયના પાંચ પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નવાઈની વાત એ છે કે, આ કંપની પાંચ વર્ષથી ધમધમતી હતી અને ડોલર તથા રૂપિયામાં ધંધો કરતી હતી એવી વિગતો પણ બહાર આવી છે.
