Mysamachar.in-જામનગર:
જામનગરની જિલ્લા પંચાયત જાણે કે અભિશાપિત સંસ્થા હોય એમ આ સંસ્થામાં, શાસન કોઈ પણ પક્ષનું હોય, આ સંસ્થાએ ક્યારેય પોતાનો પરિચય ‘વાઈબ્રન્ટ’ સંસ્થા તરીકે આપ્યો નથી ! જેને કારણે જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર પણ ગતિશીલ જોઈ શકાતો નથી. ગ્રામ્ય વિસ્તારોના લાખો લોકો અનેક પ્રકારની હાલાકીઓ વેઠતા રહે છે અને વિકાસની બાબતમાં ઢસડાતા ચાલી રહ્યા છે !
જિલ્લા પંચાયતમાં કેટલીક બાબતો ઉડીને આંખે વળગી રહી છે. દાખલા તરીકે, તાજેતરમાં સામાન્ય સભા યોજવામાં આવી તેમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગતના તમામ માટીકામો એક ઝાટકે રદ્દ કરી દેવામાં આવ્યા. વિપક્ષનો આક્ષેપ એવો હતો કે, માત્ર સતાપક્ષના સભ્યોના વિસ્તારોમાં જ માટીકામો ચાલે છે. ખરેખર તો, સંસ્થાએ આ બાબતનો ઉકેલ એમ લાવવો જોઈએ કે, વિપક્ષી સભ્યોના વિસ્તારોમાં પણ માટીકામો ચાલુ થાય. કારણ કે તો જ સમગ્ર જિલ્લાના બધાં ગ્રામ્ય વિસ્તારોના લોકોને આ સરકારી યોજનાના લાભો મળે. તેને બદલે સમગ્ર જિલ્લાના લાખો લોકોને સરકારની આ યોજનાના લાભોથી વંચિત કરી દેવાયા ! જિલ્લા પંચાયતનું સંચાલન ‘અણઘડ’ હાથોમાં છે ?! એવો પ્રશ્ન અહીં કોઈને પણ થઈ શકે.

અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, સુજલામ સુફલામ યોજના અંતર્ગત જિલ્લામાં કન્સ્ટ્રક્શનના એટલે કે સિવિલ વર્કના જે કામો ચાલે છે, એમાં શાસકપક્ષ તથા વિપક્ષ- બંને ‘ખુશ’ છે. માટીકામોમાં સરકાર તરફથી મળતો બધો જ ‘લાભ’ એકાદ બે ચોક્કસ પાર્ટીના ખિસ્સા સમૃધ્ધ બનાવી રહ્યો છે, એવો પણ આક્ષેપ થયો હતો, જે અત્રે નોંધનીય બાબત છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જામનગર જિલ્લા પંચાયત એક એવી સંસ્થા છે જ્યાં સુજલામ સુફલામ યોજના કાયમ વિવાદોમાં રહી છે ! તેથી આ કરોડોના કામોમાં ‘વગે વાવણાં’ થતાં હશે એમ માનવાને કારણ હોય શકે. આ ઉપરાંત જિલ્લા પંચાયતમાં આ વખતે વર્ષની પ્રથમ જનરલ બોર્ડ બેઠકમાં એમ પણ બહાર આવ્યું કે, બેઠકમાં સિંચાઈ અને બાંધકામ વિભાગના અધિકારીઓ ગેરહાજર રહ્યા ! બોર્ડ આક્ષેપોની આગમાં ‘સળગતું’ હોય અને અધિકારીઓ ગેરહાજર હોય, એ કેટલું વિચિત્ર અને સૂચક લાગે ?! એ ચર્ચાઓએ પણ જોર પકડ્યું.

-‘પાટીયામાં મહિલાઓના નામો, વહીવટ કરે ‘મૂછાળાઓ’ !!
જામનગર જિલ્લા પંચાયતમાં જ્યારે શાસકોની બોડી બનાવવામાં આવી ત્યારે મહિલાઓને જાતજાતના ‘પદ’ની લ્હાણી કરવામાં આવી અને મહિલા સશક્તિકરણની વાર્તાઓનો રંગેચંગે પ્રચાર પણ કરવામાં આવ્યો. પણ, હકીકતો કંઈક અલગ જ છે ! સૌ જાણે છે એમ, ગામડાંઓમાં સરપંચપદથી માંડીને જેજે પદ પર મહિલાઓને ‘બેસાડવા’માં આવે છે ત્યાં ત્યાં તે પદ સંબંધિત અસલી વહીવટ ‘મૂછાળા’ એટલે કે તે મહિલાઓના પતિદેવો જ સંભાળતા હોય છે.
જામનગર જિલ્લા પંચાયતમાં પણ ઘણાં બધાં મહિલાઓ વિવિધ સમિતિમાં પદ સંભાળે છે. ચેમ્બર બહાર પાટીયા પણ એમના નામના ઝૂલતાં હોય છે પરંતુ એમના હસ્તકના કામોની ગોઠવણ કેમ કરવી, ચોક્કસ પ્રકારના કાગળોમાં સહી કેવી રીતે કરવી, ચોક્કસ પ્રકારના નિર્ણયો કેવી રીતે લેવા- વગેરે બાબતો ‘મરદ’ નક્કી કરતાં હોય છે અને સરકારી કાર્યક્રમોમાં સ્ત્રી સશક્તિકરણના ગીત ગૂંજતા રહે. આ પ્રકારની સ્થિતિઓને કારણે પણ જામનગર જિલ્લા પંચાયતમાં ધૂંધવાટ રહેતો હોવાનું જાણવા મળે છે. શાસકપક્ષ આખા જિલ્લાની આ સૌથી મોટી અને કરોડોનું બજેટ ધરાવતી આ સંસ્થામાં યોગ્ય ‘સંકલન’ ગોઠવવામાં ઉણો ઉતર્યો હોવાની પણ ચર્ચાઓ છે. આ બધી જ નકારાત્મક બાબતોને કારણે જિલ્લાના લાખો ગ્રામજનોને આ સંસ્થા સંચાલિત વિકાસકામોના ફળોથી વંચિત રહેવાની સ્થિતિઓ જોવા મળી રહી હોવાનું સૂત્ર જણાવે છે.
