Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના સીટી એ ડીવીઝન પોલીસ મથક આવતી ખંભાળિયા ગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા 2 પોલીસ કર્મચારીઓને ચોકીમાં જ લાંચ લેતા રંગેહાથ એસીબીએ ઝડપી પાડતા જામનગરના પોલીસબેડામાં સોંપો પડી ગયો છે, આ અંગે એસીબીએ જાહેર કરેલ વિગતો એવી છે કે…
આ કેસના ફરીયાદી વિરૂધ્ધ થયેલી અરજીની તપાસ યુવરાજસિંહ જગદીશસિંહ ગોહિલ કરી રહ્યા હોય અને પુષ્પરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા તેની સાથે કામગીરી કરે છે. યુવરાજસિંહ ગોહિલે ફરીયાદીને હેરાન ન થવુ હોય અને લોકઅપમાં નહીં બેસાડી તાત્કાલીક મામલતદાર કચેરીમાં રજુ કરી દેવાના અવેજ પેટે રૂ.10,000/-ની લાંચની માંગણી કરી હતી. તે રકમ પુષ્પરાજસિંહને આપી દેવાનું જણાવ્યું હતું.

પુષ્પરાજે ફરીયાદીને તા.19/05/2025ના રોજ અટક કરી મામલતદાર કચેરીમાં રજુ કરતા પહેલા ફરીયાદી પાસેથી રૂ.10,000/- માંગતા ફરીયાદી પાસે જે તે વખતે. આટલી રકમ ન હોવાથી પુષ્પરાજે ફરીયાદી પાસેથી રૂ.2,000/- લઇ લીધેલ અને બાકીના રૂ.8,000/- ફોન કરીએ આપી જવાનું જણાવ્યું હતું.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલા લાંચના છટકા દરમિયાન બન્ને પોલીસકર્મીઓ યુવરાજસિંહ ગોહિલે લાંચની રકમ પુષ્પરાજસિંહ જાડેજાને આપી દેવાનું કહેતા પુષ્પરાજે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂા.8000/- માંગી, સ્વીકારી હતી. જેથી એસીબીએ બન્નેને રંગેહાથ ઝડપી લીધા હતા.