Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે પોલીસ તંત્ર દ્વારા જાહેરમાં વેચાતી સ્વાસ્થ્ય અને હાનિકર્તા હેન્ડ સેનીટાઈઝરની બોટલોને કબજે લઈ અને આ પ્રકરણ સંદર્ભે સંકળાયેલા વેપારીઓ, સપ્લાયકર્તા ઉપરાંત અન્ય રાજ્યના ઉત્પાદકો દ્વારા અહીં નશાકારક એવું આ પીણું વેચવાના સમગ્ર રેકેટનો પર્દાફાસ કર્યો હતો. આ પછી તાજેતરમાં દ્વારકા વિસ્તારમાં એક પ્રોવિઝન સ્ટોરમાંથી કબજે લેવાયેલી આ પ્રકારની શંકાસ્પદ બોટલોને પોલીસે કબજે લઈ અને તેની તપાસ બાદ આ પ્રકરણમાં દ્વારકા પોલીસ તેમજ એલસીબીની ટીમ દ્વારા દિવસો સુધી ઊંડાણપૂર્વકની કાર્યવાહી કરી અને આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા કુલ સાત પૈકી દ્વારકા અને ખંભાળિયાના વેપારીઓ સહિતના કુલ ત્રણ શખ્સોને ઝડપી લઇ, રિમાન્ડ મેળવીને વિવિધ મુદ્દે પ્રકાશ પાડ્યો હતો.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકા તાલુકાના ટુપણી ગામે રહેતા સવદાસ કરસન પોપાણીયા નામના વેપારી દ્વારા તેની ચામુંડા પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં રાખવામાં આવેલી હેન્ડ રબ (સેનીટાઇઝર)ની કેટલીક શંકાસ્પદ બોટલો સ્થાનિક પોલીસે કબજે કરી, આ સંદર્ભે ગત તા. 29 માર્ચના રોજ સ્થાનિક પોલીસ મથકમાં જરૂરી નોંધ કરી હતી.

આ પછી આગળની તપાસમાં ચોક્કસ કંપનીની ગ્રીન એપલ હેન્ડ રબ અને ઓરેન્જ હેન્ડ રબના નામથી અહીં રહેલી કુલ રૂપિયા 11,100 ની કિંમતની જુદી જુદી 74 બોટલ કબજે લઈ અને ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગંભીર મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ખાસ લક્ષ્ય કેળવી અને દ્વારકાના પી.આઈ. દિપક ભટ્ટ તેમજ એલસીબી પી.આઈ કે.કે. ગોહિલ અને પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીને તાત્કાલિક દ્વારકા ખાતે કેમ્પ રાખીને આ બાબતે ઊંડાણપૂર્વકની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી.
જેને અનુલક્ષીને દ્વારકા પોલીસ મથકમાં બી.એન.એસ. તેમજ પ્રોહિબિશન એક મુજબ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.આઈ. ભટ્ટને સોંપવામાં આવી હતી. તપાસ કાર્યવાહી દરમિયાન તાત્કાલિક અસરથી એલ.સી.બી.ની પોલીસ ટીમએ કુલ સાત પૈકી ત્રણ આરોપીઓની જુદી જુદી કલમ હેઠળ અટકાયત કરી, કેટલીક ચોંકાવનારી વિગતો મેળવી હતી. પોલીસ તપાસમાં આલ્કોહોલ મિશ્રિત સેનિટાઈઝરની આ બોટલોનો ઉપયોગ નશો કરવા માટે થતો હોવાનું ખુલવા પામ્યું છે.

આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ટુપણી ગામના વેપારી સવદાસ કરસન પોપણીયા, ખંભાળિયામાં ગુંદી ચોક વિસ્તારમાં રહેતા વેપારી ચિરાગ લીલાધરભાઈ થોભાણી, ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા અક્રમ નઝીર બનવા, નામના ત્રણ શખ્સોની અટકાયત કરી હતી. વધુમાં જાહેર થયેલી વિગત મુજબ આરોપી ચિરાગ તો પાણી અને અક્રમ નઝીર બનવા નામના બે શખ્સો સામે અગાઉ ખંભાળિયામાં આયુર્વેદિક સીરપ પ્રકરણ સંદર્ભે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
આટલું જ નહીં, આ પ્રકરણમાં કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામના મૂળ વતની અને હાલ ભાવનગર ખાતે રહેતા લગધીરસિંહ ઉર્ફે લખધીરસિંહ કાળુભા જાડેજા, કલ્યાણપુર તાલુકાના રહીશ ધર્મેશ ઉર્ફે રઘો ઉર્ફે મારાજ પરસોતમભાઈ, કચ્છ જિલ્લાના માંડવી ખાતેના મૂળ વતની અને હાલ મુંબઈ ખાતે રહેતા હિમાંશુ અરવિંદભાઈ ગોસ્વામી (ગુસાઈ) તેમજ પોરબંદર તાલુકાના મિયાણી ગામના રહીશ અને સંગીતા આયુર્વેદિક કેરના પ્રોપરાઇટર બ્રિજેશ ભાવેશભાઈ જાદવ નામના અન્ય ચાર શખ્સોની પણ આ પ્રકરણમાં સંડોવણી આ પ્રકરણમાં ખુલવા પામી છે. વધુમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુરના ખીજદડ ગામના આરોપી લગધીરસિંહ જાડેજા સામે પણ ખંભાળિયા પોલીસ મથકમાં નશાકારક આયુર્વેદિક પ્રકરણ સંદર્ભેના જુદા જુદા ત્રણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે માંડવીના હિમાંશુ ગોસ્વામી સામે પણ માંડવી (કચ્છ) પોલીસ મથકના પ્રોહિ. સહિતના ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે તપાસનીસ પોલીસ સ્ટાફ દ્વારા આરોપી સવદાસ કરસન, ચિરાગ લીલાધર અને અક્રમ નજીરને કોર્ટમાં રજૂ કરી, રિમાન્ડ મેળવ્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય આરોપીઓ હાલ નાસી છૂટવામાં સફળ થતાં પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષો અગાઉ આયુર્વેદિક બિયર બાદ થોડા સમય પૂર્વે આરોગ્યવર્ધક આયુર્વેદિક સીરપની આડમાં બુટલેગરો દ્વારા વધુ આલ્કોહોલ ભેળવીને નુકસાનકર્તા પીણા બનાવીને વેચવામાં આવતા હતા. જે સામે પોલીસ સકંજો વધુ મજબૂત બનતા આરોપીઓએ હવે હેન્ડ રબ (સેનિટાઈઝર)ના સ્વરૂપે અન્ય રાજ્યમાં પ્રોડક્શન કરી અને આવી બોટલોનું અહીં પાનના ગલ્લામાં તેમજ અન્ય દુકાનોમાં જાહેરમાં વેચાણ કરવામાં આવતું હોવાનું પણ ખુલવા પામ્યું છે. ત્યારે આવા પ્રોડક્શન સામે સંબંધીત તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં જે-તે વિભાગનો પન્નો ટૂંકો પડતો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ પોલીસ તંત્ર દ્વારા આવી પ્રવૃત્તિઓને નાથવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ વચ્ચે હાલ ફરાર એવા આરોપી લગધીરસિંહ કાળુભા જાડેજા કે જે અગાઉ ભૂતકાળમાં પણ ગુનાહિત પ્રવૃત્તિ કરતા પકડાઈ ગયેલો હોય અને પુનઃ નશાના કારોબાર કાર્યરત રહે તે માટે મુંબઈના વસઈ ખાતે રહી અને હેન્ડ રબ (સેનીટાઇઝર)ના નામે નશાયુક્ત પીણાંનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને નિયમ મુજબના લાયસન્સ વગર ગુજરાતમાં આયાત કરી સમાજમાં નશાનો કાળો કારોબાર કરવામાં આવતો હોવાથી પોલીસે કરેલી આ કાર્યવાહીમાં શરીરને ખૂબ જ નુકસાન થાય તેટલી માત્રામાં ઈથાઇલ આલ્કોહોલ, આઈસોપ્રોપાઈલ જેવા તત્વોનું મિશ્રણ કરવામાં આવતું હતું. જેનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હતા. લેભાગુ તત્વો દ્વારા પોતાના આર્થિક ફાયદા માટે સમાજમાં દૂષણ ફેલાવતા આ સમગ્ર બાબત પોલીસે ઉજાગર કરી છે.
ખાસ કરીને ફક્ત ગુજરાત રાજ્યને ટાર્ગેટ કરી, નશાબંધી ધરાવતા ગુજરાત રાજ્યમાં નશાબંધીની બદી સામે નશો કરવા લોકોને ઉત્તેજન આપતા અને આયુર્વેદિક દવાની આડમાં નશાયુક્ત પીણાના વેપાર અંગેના વ્હાઇટ કોલર બુટલેગરો સામે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની આ ઝુંબેશ સમગ્ર રાજ્યમાં નોંધપાત્ર બની રહી છે.